લંડન
બ્રિટન અને પાકિસ્તાન વચ્ચે વિદેશી અપરાધીઓ અને ઇમિગ્રેશનના અપરાધીઓના પ્રત્યાર્પણ માટે નવી ઐતિહાસિક સંધિ કરાઇ છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, વિદેશી અપરાધીઓ અને ઇમિગ્રેશનના કાયદાઓનો ભંગ કરનારાઓના બ્રિટનથી પાકિસ્તાન પ્રત્યાર્પણ માટેના નવા કરાર પર હસ્તાક્ષર કરતાં હું ગૌરવ અનુભવું છું. આ સંધિ ઇમિગ્રેશન માટેની અમારી નવી યોજના અમલમાં મૂકાઇ ચૂકી હોવાનું દર્શાવે છે. અમે આ અંગે બ્રિટનની જનતાને વચન આપ્યું હતું. પાકિસ્તાનના ગૃહમંત્રી યુસફ નસીમ ખોખર અને બ્રિટન ખાતેના પાકિસ્તાની રાજદૂત મોઝ્ઝમ એહમદ ખાન અને પ્રીતિ પટેલની મુલાકાતમાં આ સંધિ પર હસ્તાક્ષર કરાયા હતા.
એક નિવેદનમાં પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, બ્રિટનમાં રહેવાનો અધિકાર નહીં ધરાવતા ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરનારા અને વિદેશી અપરાધીઓને દેશની બહાર હાંકી મૂકવાનો મને કોઇ અફસોસ નથી. બ્રિટનના કાયદાઓમાં રહેલા છીંડાનો ઉપયોગ કરનારા સામે બ્રિટિશ જનતામાં પ્રવર્તતો રોષ વ્યાજબી છે. આ સંધિ દર્શાવે છે કે સરકારે તેના વચન પ્રમાણે નવો ઇમિગ્રેશન પ્લાન અમલમાં મૂક્યો છે. સરકાર નવો બોર્ડરએક્ટ પણ લાવી રહી છે જે દેશનિકાલથી બચવા છેલ્લી ઘડીએ કરાતી અપીલો અને દાવાઓનો અંત લાવશે. નવી સંધિથી અપરાધીઓ, રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયેલા અને ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવામાં મદદરૂપ બનશે.

