પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ સામે દેશવ્યાપી તપાસનો સ્ટાર્મર સરકારનો ઇનકાર

વર્ષો સુધી સગીરાઓનું શોષણ કરનારી ગ્રૂમિંગ ગેંગ્સ સામે દેશવ્યાપી તપાસની કેમી બેડનોકની માગ, રિફોર્મ યુકેનું પણ સમર્થન

Tuesday 07th January 2025 09:24 EST
 
 

લંડનઃ યુકેમાં સગીરાઓને ફસાવીને શારીરિક શોષણ કરતી કુખ્યાત પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગો અંગેનો વિવાદ ફરી ભડક્યો છે. ગ્રૂમિંગ ગેંગ સ્કેન્ડલની દેશવ્યાપી તપાસની માગ કરતી ઓલ્ડહામ ટાઉન કાઉન્સિલની અરજી સ્ટાર્મર સરકાર દ્વારા નકારી કઢાયા બાદ હોબાળો મચ્યો છે. સેફ ગાર્ડિંગ મિનિસ્ટર જેસ ફિલિપ્સે ઓલ્ડહામ કાઉન્સિલના બે પત્રનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, સરકાર આ મામલામાં કોઇ હસ્તક્ષેપ નહીં કરે. ઓલ્ડહામ કાઉન્સિલ તેના સ્થાનિક સ્તરે સ્વતંત્ર તપાસ કરાવી શકે છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડનોકે યુકેમાં રેપ ગેંગ્સ સ્કેન્ડલની દેશવ્યાપી તપાસની માગ કરી છે. શેડો હોમ ઓફિસ મિનિસ્ટર ક્રિસ ફિલિપે પણ માગ કરી હતી કે રાષ્ટ્રીય સ્તરે તપાસ હાથ ધરવાનો સમય પાકી ગયો છે. સત્ય બહાર લાવવા માટે સાક્ષીઓ હિંમતપુર્વક સામે આવી શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

ઇલોન મસ્ક, જે કે રોલિંગ અને કેટલાક પત્રકારો દ્વારા પોલીસની બેજવાબદારી અને નિષ્ફળતા પર સવાલો ઉઠાવાયા બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો છે. તેમણે ગ્રૂમિંગ ગેંગની પીડિતાઓને ન્યાય અપાવવામાં પ્રશાસન અને રાજકીય સત્તા પણ નિષ્ફળ રહી હોવાના આરોપ મૂક્યાં છે.

પબ્લિક ઇન્કવાયરી અને અપરાધીઓને સખત સજાની પીડિતાઓની માગ

ગ્રૂમિંગ ગેંગ્સનો શિકાર બનેલી પીડિતાઓએ પબ્લિક ઇન્કવાયરી અને અપરાધીઓને સખત સજાની માગ કરી છે. રોધરહામની સારા વિલ્સને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે જેસ ફિલિપ્સે શરમથી ડૂબી મરવું જોઇએ. જે વ્યક્તિ સ્વતંત્ર તપાસનો વિરોધ કરે છે તે ઘણું છૂપાવવા માગે છે. સેમી વૂડહાઉસ નામની પીડિતાએ જણાવ્યું હતું કે, એક પછી એક રિપોર્ટ આવી રહ્યાં છે પરંતુ એક જ ગાણું ગાવામાં આવે છે. સરકાર શું પગલાં લઇ રહી છે. ઘણા અપરાધીઓને ન્યાયના કઠેડા સુધી પણ પહોંચાડાતા નથી. જેમને રજૂ કરાય છે તેઓ પણ મુક્ત થઇ જાય છે. તેના માટે કોઇને જવાબદાર ઠેરવાતાં નથી.

બ્રિટનમાં સક્રિય પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગો અંગે ઇલોન મસ્કની ચેતવણી

વિશ્વના સૌથી અમીર ઇલોન મસ્કે રોધરહામ  સ્કેન્ડલની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, યુકેમાં સત્તાના તમામ સ્તરે રહેલા લોકોને જેલમાં ધકેલી દેવા જોઇએ. મસ્કે રિફોર્મ યુકે પાર્ટીને મત આપવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, યુકે માટે આ એક જ પાર્ટી આશા સમાન છે. મસ્કે યુકેમાં પુનઃ ચૂંટણી યોજવાની પણ માગ કરી હતી. મસ્કે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગ્રૂમિંગ ગેંગોને ડામવામાં પોલીસ ઘણા વર્ષો સુધી નિષ્ફળ રહી છે. તેના સ્થાને પીડિતાઓ અને તેમના પરિવારજનોની અન્યાયી ધરપકડો કરાઇ હતી. મસ્કે વર્તમાન વડાપ્રધાન કેર સ્ટાર્મર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગ્રૂમિંગ ગેંગો સગીરાઓનું શોષણ કરી રહી હતી ત્યારે 2008થી 2013 વચ્ચે સ્ટાર્મર ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના વડા હતા. આ સર્વિસ બળાત્કાર જેવા ગંભીર અપરાધમાં શંકાસ્પદો પર આરોપ ઘડવા પોલીસને મંજૂરી આપતી હોય છે. સ્ટાર્મર સીપીએસના ડિરેક્ટર રહ્યાં હતાં.

પોલીસ ભ્રષ્ટાચારના આરોપો માન્યામાં ન આવે તેવાં છેઃ જે કે રોલિંગ

વિશ્વ પ્રસિદ્ધ લેખિકા જે કે રોલિંગે જણાવ્યું હતું કે, રોધરહામમાં બળાત્કારીઓની ગેંગોએ સગીરાઓ સાથે જે કર્યું તે અત્યંત ભયાનક છે. કથિત પોલીસ ભ્રષ્ટાચારના આરોપો માન્યામાં આવે તેવાં નથી.

ગ્રૂમિંગ ગેંગઃ રિફોર્મ યુકે નેશનલ ઇન્કવાયરી માટે તૈયાર

રિફોર્મ યુકેના ચેરમેન ઝિયા યુસુફે જણાવ્યું છે કે જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો અમે ગ્રૂમિંગ ગેંગ્સ સામે પબ્લિક ઇન્કવાયરી શરૂ કરીશું. પાર્ટીના નેતા નાઇજલ ફરાજે જણાવ્યું હતું કે અમારી પાર્ટી નેશનલ ઇન્કવાયરી માટે તૈયાર છે. જેથી દેશનો દરેક વ્યક્તિ સત્ય જાણી શકે. આંખો બંધ કરીને કરાતું ઇમિગ્રેશન હોનારત પૂરવાર થઇ રહ્યું છે.

રોધરહામ ચાઇલ્ડ એબ્યુઝ સ્કેન્ડલ

રોધરહામ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન સ્કેન્ડલ અંગે વર્ષ 2014માં જારી કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 16 વર્ષ કરતાં વધુ સમયગાળામાં અંદાજિત 1400 બાળકોનું શારીરિક શોષણ કરાયું હતું. આ અપરાધોમાં મુખ્યત્વે પાકિસ્તાની મૂળના લોકો સામેલ હતાં. તેમ છતાં સત્તાવાળાઓ પોતાને રેસિસ્ટ ગણાવાશે તે ભયથી તેમની સામે પગલાં લેતાં અચકાતાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter