લંડનઃ બ્રિટનમાં વિઝાની મુદત વીત્યા પછી પણ રોકાણ કરનાર પાકિસ્તાની રાજ્યાશ્રયવાંચ્છુ મહિલાએ તેની સાથે અપરાધી જેવો વ્યવહાર કરાયાની ફરિયાદ કર્યા પછી વળતર પેટે 1,00,000 પાઉન્ડ ચૂકવાયા છે. બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર આવેલી નાદરા આલ્મસ 16 વર્ષ સુધી કાનૂની લડાઇ લડી છે. તેણે જણાવ્યું હતું કે, તે ખ્રિસ્તી છે અને જો તેને પાકિસ્તાન ધકેલી દેવાશે તો તેને સતાવણીનો સામનો કરવો પડશે.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, હોમ ઓફિસના અધિકારીઓએ 2018માં તેની હાથકડી પહેરાવીને ધરપકડ કરાઇ હતી. તેને દેશનિકાલની ધમકી પણ અપાઇ હતી. જોકે તેને બે સપ્તાહ બાદ છોડી દેવાઇ હતી. ત્યારબાદ સરકારે તેને રેફ્યુજીનું સ્ટેટસ આપવામાં 3 વર્ષનો સમય લગાવી દીધો હતો. તે સમયગાળામાં તેને પ્રવાસ કે નોકરી કરવાની પરવાનગી નહોતી અને તે બેનિફિટ્સથી પણ વંચિત રહી હતી. તેણે દાવો કર્યો હતો કે મારા માનવ અધિકારનું ઉલ્લંઘન થયું છે. હાઇકોર્ટે તેનો દાવો સ્વીકારતાં વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.