લંડનઃ પાકિસ્તાનીઓ બ્રિટનમાં પ્રવેશવા માટે બનાવટી વિઝા દસ્તાવેજોનો ઉપયોગ કરતાં હોવાનો આરોપ એક અખબારી અહેવાલમાં મૂકાયો છે. તેઓ વિઝા કન્સલ્ટન્ટ્સ પાસેથી બનાવટી દસ્તાવેજો ખરીદીને બ્રિટનની નબળી બોર્ડર કન્ટ્રોલને છેતરી રહ્યાં છે. પાકિસ્તાની માઇગ્રન્ટ્સ વિઝા એપ્લિકેશનો માટે 50,000 પાઉન્ડ ચૂકવી રહ્યાં છે અને દસ્તાવેજોમાં અનેક ખામીઓ ઉપરાંત બનાવટી દસ્તાવેજો છતાં હોમ ઓફિસ દ્વારા તેને માન્યતા આપી દેવાય છે.
ટેલિગ્રાફે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, અમે આ પ્રકારની એક એપ્લિકેશન હાંસલ કરી છે જેમાં એક બનાવટી હોસ્પિટલ તરફથી નોકરી અપાયાનો ઉલ્લેખ છે. અખબારના પ્રતિનિધિએ પોતાને યુકેના વિઝા માટે એક કન્સલ્ટન્ટ સમક્ષ રજૂ કર્યો હતો જેણે તેને બનાવટી દસ્તાવેજો બનાવી આપ્યાં હતાં. તેણે 3 મહિનામાં બ્રિટનમાં પ્રવેશની 98 ટકાની બાંયધરી પણ આપી હતી.
પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં મિરપુર વિઝા કન્સલ્ટન્ટ નામની એજન્સી સૈયદ કામરાન હૈદર દ્વારા ચલાવવામાં આવી રહી છે. તે ઇન્ટરનેટ પર ખુલ્લેઆમ યુકેની અસાયલમ સિસ્ટમમાં રહેલા છીંડાનો ઉપયોગ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.