લંડનઃ ઉનાળાના વિરામ પછીની પ્રથમ કેબિનેટ બેઠકમાં વડા પ્રધાન થેરેસા મેએ તેમના સાથીઓ સમક્ષ ‘બ્રેક્ઝિટ એટલે બ્રેક્ઝિટ’નો પુનરુચ્ચાર કરતાં સ્પષ્ટ કર્યું હતું કે ‘પાછલા બારણેથી પણ ઈયુમાં રહેવાનો કોઈ પ્રયાસ નહિ થાય.’ તેમણે કહ્યું હતું કે બીજો રેફરન્ડમ નહિ લેવાય અને બ્રેક્ઝિટને સફળ બનાવાશે.
તેમણે સાથી પ્રધાનોને યુરોપિયન પ્રોજેક્ટમાંથી બ્રિટનના બહાર નીકળવાના આગામી પગલાંની ચર્ચા કરવા અને ‘વિશ્વમાં યુકે માટે નવી ભૂમિકાની રુપરેખા ઘડવા’ જણાવ્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે, ‘યુકે અને ઈયુને વાટાઘાટો કરવા અને પ્રક્રિયા સરળ બની રહે તે માટે આ વર્ષના અંત પહેલા આર્ટિકલ ૫૦નો આરંભ નહિ કરાય. યુકે જ્યાં સુધી ઈયુમાં છે ત્યાં સુધી તે સભ્ય તરીકે સંપૂર્ણ ભૂમિકા ભજવશે, જવાબદારીઓ અદા કરશે અને મુક્ત વેપારનું મજબૂત સમર્થક બની રહેશે.’
નવા ICM/Guardian પોલમાં ટોરી પાર્ટીને વિપક્ષ સામે ૧૪ પોઈન્ટની સરસાઈ હાંસલ થઈ છે. કન્ઝર્વેટિવ પાર્ટીને એક પોઈન્ટના વધારા સાથે ૪૧ પોઈન્ટ મળ્યાં છે, જ્યારે લેબર પાર્ટીને ૨૭ ટકા અને લિબરલ ડેમોક્રેટ્સને ૯ ટકા મળ્યા છે. ટોરી પાર્ટીની સભ્યસંખ્યામાં ૫૦,૦૦૦નો વધારો થયો છે. લેબર પાર્ટીની સભ્યસંખ્યા ૧૩૦,૦૦૦થી પણ વધુ વધી છે છતાં આંતરિક વિખવાદથી તે નબળી પડી છે.


