લંડનઃ ઇંગ્લેન્ડમાં પાણીની ગંભીર અછત વચ્ચે હવે રસોડા અને પ્રાર્થના સ્થળોમાં થતા પાણીના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એક વિશેષ અભિયાન હેઠળ સાઉથ એશિયન સમુદાયને ચોખા ધોવામાં અને મુસ્લિમ સમુદાયને નમાજ પહેલાં કરવામાં આવતા વઝૂમાં પાણીનો બગાડ અટકાવવા અપીલ કરવામાં આવી છે.
ઉનાળા દરમિયાન પાંચ જેટલા હીટવેવને કારણે નદીઓ અને જળાશયોના સ્તર તળિયે પહોંચી જતાં ઇંગ્લેન્ડનો લગભગ પોણો ભાગ દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. ઓફવોટ દ્વારા વિવિધ સમુદાયો અને ધર્મોમાં પાણીની ક્ષમતા નામના પ્રોજેક્ટ હેઠળ આ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
બ્રિટિશ-મલેશિયન સેલિબ્રિટી શેફ પિંગ કુંબ્સે એક વીડિયોમાં જણાવ્યું હતું કે લોકો સામાન્ય રીતે પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી 5 થી 7 વાર ચોખા ધોતા હોય છે. પરંતુ તેને માત્ર બે વાર ધોવાથી દરેક વખતે 5 લીટર પાણી બચાવી શકાય છે. તેમણે ચોખા ધોયેલા વધારાના પાણીનો છોડમાં ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે.
કૅમ્બ્રિજ સેન્ટ્રલ મસ્જિદના સહયોગથી શરૂ કરાયેલા રિવાઇવિંગ ધ સુન્નાહ અભિયાનમાં મુસ્લિમોને નમાજ પહેલાં વઝૂ કરતી વખતે ચાલુ નળને બદલે જગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. સામાન્ય રીતે ચાલુ નળે વઝૂ કરવાથી 6 થી 12 લીટર પાણી વપરાય છે, જ્યારે પૌરાણિક સુન્નાહ પદ્ધતિ મુજબ 1 લીટર પાણીથી જ શુદ્ધિ કરવાની અપીલ કરવામાં આવી છે.
જોકે, આ ઝુંબેશ સામે વિરોધના સ્વરો પણ ઊઠ્યા છે. દેશમાં રોજના અંદાજે 3 અબજ લીટર પાણી લીકેજને કારણે વેડફાઈ રહ્યું છે, ત્યારે લોકોના ટેક્સના નાણાં આવી સાંસ્કૃતિક ટેવો બદલવા વિચિત્ર યોજનાઓ પાછળ ખર્ચવા સામે વિપક્ષી નેતાઓએ સવાલો ઉઠાવ્યા છે.


