પાણી બચાવવા સરકાર પાવર શાવર અને ડ્યુઅલ ફ્લશ ટોઇલેટ પર પ્રતિબંધ લાદશે

2050 સુધીમાં પાણીનો વપરાશ માથાદીઠ 110 લિટર પ્રતિ દિવસ કરવાનો લક્ષ્યાંક

Tuesday 11th April 2023 14:02 EDT
 
 

લંડન

સરકાર પાણી બચાવવાના પ્રયાસના ભાગરૂપે પાવર શાવર અને ડ્યુઅલ ફ્લશ ટોઇલેટ પર પ્રતિબંધ મૂકે તેવી સંભાવના છે. 2038 સુધીમાં વ્યક્તિગત પાણીનો વપરાશ 20 ટકા ઘટાડવાની યોજના અંતર્ગત આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકાર 25 વર્ષની પર્યાવરણ યોજના અંતર્ગત 2050 સુધીમાં વ્યક્તિગત પાણીનો વપરાશ 110 લિટર પ્રતિ દિવસ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. તે ઉપરાંત શાવર, નળ અને ટોઇલેટના ઉત્પદકો માટે નવા નિયમો લાગુ કરવા પણ સૂચનો કરાયાં છે. દરેક ઉત્પાદકે તેમના ઉત્પાદન પર ફરજિયાત વોટર એફિશિયન્સી લેબલ લગાવવાનું રહેશે. જેના પગલે પાવર શાવર અને ડ્યુઅલ ફ્લશ ટોઇલેટનો અંત આવી જાય તેવી સંભાવના છે.

3 વર્ષ પહેલાં પર્યાવરણ એજન્સીએ ચેતવણી આપી હતી કે આગામી 20 વર્ષમાં દેશના કેટલાક હિસ્સામાં પાણીની ગંભીર અછત સર્જાશે. આ ચેતવણીના 3 વર્ષ બાદ હવે સરકાર દ્વારા આ વિચારણા હાથ ધરાઇ છે.

હાઇ-એન્ડ શાવરમાં પ્રતિ મિનિટ 15 લિટર પાણીનો વપરાશ થાય છે. તેનો અર્થ એ થયો કે આઠ જ મિનિટમાં 110 લિટર પાણીનો વેડફાટ થઇ જાય છે. તેવી જ રીતે ડ્યુઅલ ફ્લશ ટોઇલેટમાં પાણીનો વપરાશ વધુ હોવાથી તેના પર પણ પ્રતિબંધ આવી શકે છે.

બ્રિટનમાં પાંચથી આઠ ટકા ટોઇલેટ લિકેજની સમસ્યા ધરાવે છે જેના કારણે પ્રતિ જિવસ 88 મિલિયન ગેલન પાણી વેડફાઇ જાય છે. સરકારે જણાવ્યું છે કે અમે શાવર, નળ અને ટોઇલેટ માટે નવા ધોરણો નક્કી કરીને પાણીના વપરાશને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter