લંડનઃ વોટર કંપનીઓ દ્વારા મૂકાયેલા પ્રોગ્રેસિવ ટેરિફ્સને સરકાર દ્વારા સમર્થન પ્રાપ્ત થતાં મોટા પરિવારો અને ગાર્ડન ધરાવતા મકાન માલિકોને વધુ નાણા ચૂકવવા પડશે. સરકારે સીઝનલ પ્રાઇસિંગ સિસ્ટમની યોજનાને પણ સમર્થન જાહેર કર્યું છે જેના પગલે વોટર કંપનીઓ ઉનાળામાં વધુ ચાર્જ વસૂલી શકશે.
વોટર કંપનીઓની દલીલ છે કે આ મોડેલમાં વધુ પાણી વાપરતા લોકો પાસેથી વધુ નાણાની વસૂલાત કરાશે તેથી ઓછું પાણી વાપરનારાના બિલમાં ઘટાડો થશે અને પાણીના અસરકારક ઉપયોગને પ્રોત્સાહન મળશે.
આ યોજનાની ટીકા કરતાં કન્ઝર્વેટિવ પાર્ટીએ જણાવ્યું છે કે વપરાશના આધારે વધુ નાણા વસૂલવાની યોજના મોટા પરિવારો માટે સજારૂપ પૂરવાર થશે કારણ કે તેમને વધુ લોન્ડ્રી કરવાની હોય છે અને બાળકો શૉવરની જગ્યાએ બાથ લેતાં હોય છે. સરકાર બાળકોના નહાવાના સમય પર છૂપો ટેક્સ લાદી રહી છે.
પાણીના બિલના દર સ્માર્ટ મીટરના રીડિંગ આધારિત રહેશે જે પાણીના વપરાશને મોનિટર કરીને તેની માહિતી સપ્લાયરને મોકલી આપશે. આ સિસ્ટમ અંતર્ગત દરેક પરિવારે સ્માર્ટ મીટર લગાવવાના રહેશે. હાલમાં ઇંગ્લેન્ડમાં ફક્ત 12 ટકા મકાનોમાં જ સ્માર્ટ મીટર છે. વોટર ઇન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર સ્માર્ટ મીટર માટે સરકારે કાયદો બનાવવો પડશે.


