લંડનઃ એક સમયે નર્થ લંડનના બ્રેન્ટ બરોમાં પાન ખાઈને થૂંકનારા લોકો સામે અભિયાન ચલાવાયું હતું પરંતુ, પ્રાપ્ત માહિતી અનુસાર ફેબ્રુઆરી 2021થી માર્ચ 2022 સુધીના ગાળામાં પાન ખાઈને શેરીઓ અને દીવાલો ગંદી કરનારા આવા 20 લોકો પાસેથી જ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થી એડન પોવેલે ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ માગેલી માહિતીના પ્રતિભાવમાં જણાવાયું હતું કે વેમ્બલીમાં 18 તેમજ એલ્પર્ટન અને વિલ્સડેન ગ્રીનમાં એક-એક થઈને 20 લોકો પાન ખાઈને થૂંકતા ઝડપાયા હતા અને તેમની પાસેથી દંડ વસૂલ કરાયો હતો. એડન કહે છે કે,‘હું બ્રેન્ટમાં આવ્યો ત્યારે મેં પાન વિશે કશું સાંભળ્યું પણ ન હતું પરંતુ, એલ્પર્ટનમાં આવતાજતાં તમને બધા રસ્તાઓ પર પાનની પીચકારીઓ જોવાં મળે છે. આરોગ્ય કે સ્વચ્છતાની દૃષ્ટિએ આ સારું નથી. લોકો કોવિડ બાબતે ચિંતા કરતા હોય ત્યારે આ ગંભીર બાબત છે. જો તમે લોકોને 100 પાઉન્ડનો દંડ કરવાની ચેતવણી આપતા હો પરંતુ, ખરેખર તેમ કરતા ન હો તેનો કોઈ અર્થ નથી. બ્રેન્ટ કાઉન્સિલ જરા પણ સક્રિય નથી.’
પાન ખાઈ થૂંકનારાઓ વિરુદ્ધ ભારે પ્રચાર ચલાવાયો હતો અને આમ કરતા ઝડપાશે તેને દંડ કરવાની ચેતવણી આપતાં પોસ્ટર્સ પણ લગાવાયા હતા. પર્યાવરણલક્ષી કાઉન્સિલર કૃપા શેઠે અગાઉ પાન સાથે સંકળાયેલા આરોગ્યના મુદ્દા તેમજ બ્રેન્ટની શેરીઓ પર તેની અસરો સંદર્ભે સ્થાનિક કોમ્યુનિટીને જાગૃત કરવાની વાત કરી હતી. કાઉન્સિલે સાઉથ એશિયન સમુદાયોનું વસ્તી વધુ છે તેવા વેમ્બલી અને એલ્પર્ટન વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પરંતુ, સ્થાનિક લોકોના કહેવા મુજબ કેમ્પેઈન બરાબર કામ કરતું નથી.
એલ્પર્ટનના લિબરલ ડેમોક્રેટ કાઉન્સિલર એન્ટોન જ્યોર્જીઉ કહે છે કે એલ્પર્ટન અને વેમ્બલીમાં પાન ખાઈની થૂંકવાનો મોટો મુદ્દો છે આથી તેમના વોર્ડમાં ફેબ્રુઆરી 2021 પછી માત્ર એકને જ દંડ કરાયો હોવા બાબતે તેમણે ભારે આઘાત અને નિરાશા વ્યક્ત કર્યા હતા.


