પાર્કિંગ જેવી નજીવી બાબતમાં બે પાડોશી પરિવારે કાનૂની જંગમાં 1 લાખ પાઉન્ડ વેડફી નાખ્યા

કાર પાર્કિંગ સ્પેસ માટે સોરેસ અને કોઠારી પરિવાર વચ્ચે 7 વર્ષથી જંગ ચાલી રહ્યો છે...

Wednesday 14th December 2022 05:47 EST
 
 

લંડન

પાડોશીઓ વચ્ચે નાની નાની વાતોમાં મતભેદ થતાં હોય છે પરંતુ આવા નાના મતભેદ એકબીજા સાથે બેસીને પણ ઉકેલી શકાય છે પરંતુ કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબત પર બે પાડોશી પરિવારોએ કાયદાકીય લડાઇમાં એક લાખ પાઉન્ડ જેવી માતબર રકમ ખર્ચી નાખી છે. વેસ્ટ લંડનના હેરફિલ્ડ ખાતે રહેતા સોરેસ પરિવાર અને કોઠારી પરિવાર વચ્ચે કેટલાક ફૂટની પાર્કિંગ સ્પેસ માટે 7 વર્ષ લાંબો કાનૂની જંગ ચાલ્યો અને તેમાં તેમણે એક લાખ પાઉન્ડ ખર્ચી નાખ્યા હતા. 53 વર્ષીય ઇવાન સોરેસ અને 41 વર્ષીય મનીષ કોઠારી એકાઉન્ટન્ટ તરીકે કામગીરી કરે છે. મનીષ કોઠારી, તેમના ભાઇ સંદીપ અને ભાભી બિંદુ કોઠારીએ ઇવાન સોરેસ અને તેમની પત્ની સુનિતા પર આરોપ મૂક્યો હતો કે તેઓ જાણીજોઇને તેમની કાર કોઠારી પરિવારની કારોથી ફક્ત થોડા ઇઁચ જ દૂર પાર્ક કરતા જેના કારણે કોઠારી પરિવાર તેમની કારનો દરવાજો પણ ખોલી શક્તો નહોતો. બીજીતરફ ઇવાન સોરેસે કોઠારી પરિવાર પર ટ્રેસ પાસિંગના આરોપો લગાવ્યા હતા. બંને પરિવાર વચ્ચે તણાવ એ હદ સુધી પહોંચ્યો હતો કે પોલીસે દરમિયાનગિરી કરવી પડી હતી.

ત્યારબાદ આ મામલો અદાલતમાં પહોંચ્યો હતો અને બંને પરિવારને અત્યાર સુધીમાં આ કેસ લડવા પાછળ એક લાખ પાઉન્ડનો ખર્ચ થઇ ચૂક્યો છે. હજુ આ કેસમાં સુનાવણી બાકી છે ત્યારે જજ સાયમન મોન્ટીએ બંને પાડોશી પરિવારને આટલી નાની બાબતમાં વધુ નાણા વેડફવાના બદલે સમાધાન કરી લેવા સૂચન કર્યું હતું. સ્થિતિ એ છે કે સોરેસ પરિવાર બે મકાનની માલિકી ધરાવે છે અને તેમના બે મકાનની વચ્ચે કોઠારી પરિવારનું મકાન આવેલું છે. આમ કોઠારી પરિવારની પાર્કિંગ સ્પેસ સોરેસ પરિવારની બે પાર્કિંગ સ્પેસ વચ્ચે સેન્ડવિચ થઇ ગઇ છે.

અગાઉ આ બંને પરિવાર પાર્કિંગ સ્પેસની અદલાબદલી કરવા માટે સહમત થયાં હતાં કે સોરેસ પરિવાર તેમના ઘર તરફ ડાબી બાજુની બે પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરશે જ્યારે કોઠારી પરિવાર જમણી તરફની છેલ્લી પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરશે. પરંતુ 2018માં સોરેસે આ સમાધાનનો ભંગ કર્યો હતો. હવે બંને પરાવર એકબીજા પાસે ટ્રેસપાસિંગ માટે વળતરની માગ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter