લંડન
પાર્કિંગ માટે એકબીજા સામે શિંગડા ભેરવી રહેલા બે પાડોશીઓ પૈકીના એકને વળતર પેટે 60,000 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો છે. ઇવાન સોરેસ અને તેમના પાડોશી કોઠારી પરિવાર વચ્ચે 2015થી કાર પાર્કિંગની જગ્યા અંગે વિવાદ ચાલી રહ્યો હતો. કોઠારી પરિવારનો આરોપ હતો કે સોરેસ પરિવાર આડેધડ પાર્કિંગ કરીને તેમને હેરાન પરેશાન કરતો હતો. આ કેસની સુનાવણી કરી રહેલા જજે ડિસેમ્બરમાં બંને પક્ષને વિનંતી કરી હતી કે તેઓ નાણાનો બગાડ કરવાને સ્થાને સમાધાન કરે. જો તેઓ થોડા ફૂટની પાર્કિંગની જગ્યા માટે 50,000 પાઉન્ડ જેવી માતબર રકમ બગાડવા માગતા હોય તો કોર્ટને કોઇ વાંધો નથી. પરંતુ તેમની વચ્ચે સમાધાન ન થઇ શક્તાં સોરેસ અને તેમની પત્નીને સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં 60,090 પાઉન્ડ વળતર પેટે જમા કરાવવાનો આદેશ અપાયો છે. કોર્ટે જણાવ્યું હતું કે, સોરેસ પરિવારની પાર્કિંગ કરવાની રીત એક રીતે પરેશાન કરનારી હતી. આ બંને પરિવાર અત્યાર સુધીમાં વકીલોની ફી પાછળ 1 લાખ પાઉન્ડ કરતાં વધુ રકમ ખર્ચી ચૂક્યા છે.


