પાર્કિંગમાં ભૂલ તો £2,500નો દંડ અથવા 3 મહિનાનો જેલવાસ!

Wednesday 25th May 2022 06:36 EDT
 
 

લંડનઃ યુકેમાં પાર્કિંગમાં ભૂલ કરનારા ડ્રાઈવર્સ પર તવાઈ આવી રહી છે. પાર્કિંગ વખતે નાની ભૂલ કરનારા ડ્રાઈવર્સને 2500 પાઉન્ડ સુધીનો દંડ અથવા 3 મહિનાની જેલની સજા થઈ શકે છે. આગામી મહિનાથી નવા કાયદા અમલી બની રહ્યા છે ત્યારે ડ્રાઈવર્સને ચેતવણી અપાઈ છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની કાઉન્સિલોને સંખ્યાબંધ ટ્રાફિક ગુનાઓ બદલ વાહનચાલકો પાસેથી ચાર્જ વસૂલ કરવાની નવી સત્તા આપવામાં આવનાર છે.

ખાનગી રેસિડેન્શિયલ એરિયામાં વાહન પાર્ક કરવું ગેરકાયદે નથી પરંતુ, લાંબો સમય વાહન મૂકી રાખવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે. રિફ્યુઝ ડિસ્પોઝલ એક્ટ 1978ના સેક્શન 2 હેઠળ કોઈ પણ વ્યક્તિ રોડ, અથવા ખુલ્લી જમીન વાહન અથવા તેનો કોઈ પાર્ટ રાખી મૂકે તો તેને ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ જારી કરાય અથવા સત્તાવાળા દ્વારા કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આ બાબત ખાનગી જમીન અને ખાનગી રોડને પણ લાગુ પડે છે. દોષી ઠરેલા મોટરિસ્ટને 2500 પાઉન્ડ સુધીનો દંડ અથવા 3 મહિનાના જેલવાસની સજા થઈ શકે છે.

સત્તાવાળા વાહનને ખસેડે તે પહેલા તેના માલિકને શોધી વાહન લેવા સાત દિવસની લેખિત નોટિસ આપવી જરૂરી છે. જો વાહનમાલિક વાહન પર ક્લેઈમ કરી તેના ખસેડવા અને રાખવા માટેની રકમ ચૂકવે તો સત્તાવાળાએ વાહન પરત કરવાનું રહે છે. ગ્લોસ્ટરશાયરલાઈવના અહેવાલ મુજબ અલગ અલગ કિસ્સામાં છ મહિના સુધી રાખી મૂકાયેલા બે વાહનના સંદર્ભે ચેલ્ટેનહામ બરો કાઉન્સિલે રેસિડેન્શિયલ સ્ટ્રીટ પર વાહન છોડી જવા બદલ 3000 પાઉન્ડથી વધુનો દંડ અને ખર્ચ વસૂલ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter