પાર્ટી બદલ પેનલ્ટીઃ બોરિસ-કેરી અને સુનાક દંડાયા

Wednesday 13th April 2022 05:08 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન હોદ્દા દરમિયાન ક્રિમિનલ અપરાધ આચર્યો હોવાનું મનાતા પ્રથમ વડા પ્રધાન બન્યા છે. બોરિસ જ્હોન્સન, તેમના પત્ની કેરી જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાકને લોકડાઉનમાં યોજાએલી પાર્ટીમાં હાજરી આપવા બદલ મેટ્રોપોલીટન પોલીસે ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ (FPN) પાઠવી છે. 10, ડાઉનિંગ સ્ટ્રીટે જ્હોન્સનને પેનલ્ટી નોટિસ મળી હોવાને સમર્થન આપ્યું છે. લેબરનેતા સર કેર સ્ટાર્મરે કાયદાના ભંગ બદલ જ્હોન્સન અને સુનાકના રાજીનામાંની માગણી કરી છે. જ્હોન્સન સામે પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરવાના અને જુઠું બોલવાના આક્ષેપો કરાયેલા છે.
મેટ પોલીસે ડાઉનિંગ સ્ટ્રીટમાં આયોજિત પાર્ટીઓમાં લોકડાઉન નિયમોના ભંગ બદલ 30 સરકારી મહાનુભાવો અને અધિકારીઓને પેનલ્ટી નોટિસ મોકલી છે જેમાં, વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાકનો પણ સમાવેશ થયો છે. વડા પ્રધાનના પત્ની કેરી જ્હોન્સને પણ તેમને દંડ કરાયો હોવાની જાહેરાત કરી છે. જ્હોન્સને વારંવાર દાવો કર્યો છે કે કોઈ પણ નિયમભંગ કરાયો નથી. મેટ પોલીસના જણાવ્યા અનુસાર FPN માટે 50થી વધુ રેફરલ કરાયા છે.
ડાઉનિંગ સ્ટ્રીટ અથવા મેટ પોલીસે તપાસ હેઠળની 12 પાર્ટીમાંથી કઈ પાર્ટીમાં નિયમભંગ બદલ પેનલ્ટી નોટિસ અપાઈ છે તે જાહેર કર્યું નથી. જોકે, જૂન 2020માં કેબિનેટ ઓફિસ ખાતે જ્હોન્સનની અચાનક યોજાએલી બર્થડે પાર્ટીમાં જ્હોન્સન અને સુનાકે હાજરી આપી હતી. કેરી જ્હોન્સન અને ડાઉનિંગ સ્ટ્રીટ ફ્લેટમાં કામ કરતાં ઈન્ટિરિયર ડિઝાઈનર લુલુ લીટલે 56 વર્ષના થયેલા વડા પ્રધાનને યુનિયન જેક કેકની પ્રેઝન્ટ આપી હતી. આ પછી, કેરી અને સ્ટાફે હેપી બર્થડેનું કોરસ ગીત પણ ગાયું હતું.

હવે જ્હોન્સને 100 પાઉન્ડની નિશ્ચિત પેનલ્ટી નોટિસ સ્વીકારવી કે તેને પડકારવી તેનો નિર્ણય કરવો પડશે. નોટિસને પડકારવાથી કોર્ટમાં જાહેર સુનાવણીનો સામનો કરવાનો થશે. વડા પ્રધાને પોતાની એક્શનનો ખુલાસો કરવા પાર્લામેન્ટ બોલાવવી પડે તે પણ શક્ય છે તેમજ બળવાખોર ટોરી સાંસદો ફરીથી જ્હોન્સનના રાજીનામા અને અવિશ્વાસ મતની માગ પણ ઉઠાવી શકે છે. અગાઉ, સુનાકની નિકટના સૂત્રોએ સૂત્રોએ સ્વીકાર્યું હતું કે તેમણે મેળાવડામાં હાજરી આપી હતી પરંતુ, તેઓ ત્યાં માત્ર કોવિડ મીટિંગ માટે આવ્યા હતા અને તેમને પાર્ટીનું આમંત્રણ અપાયું ન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter