લંડનઃ વેસ્ટમિન્સ્ટર એબેમાં પાર્લામેન્ટ બહાર બુધવારે થયેલા આતંકવાદી હુમલામાં એક હુમલાખોર સહિત પાંચ લોકો માર્યા ગયા છે અને ૪૦ને ઇજા થઇ છે. પોલીસને હુમલાખોરની ઓળખ સહિતની માહિતી મળી ગઇ છે, પરંતુ તેણે તપાસને અસર ન થાય તે માટે તેનું નામ જાહેર કરવાનું ટાળ્યું છે. આ હુમલો ઇસ્લામી કટ્ટરતાવાદ સાથે સંકળાયેલો હોવાની શક્યતા પોલીસે નકારી નથી. બુધવારે હુમલાની જાણ થતાં જ સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે આજે ગુરુવારે સંસદના બન્ને ગૃહો નિયત સમયે શરૂ થશે તેમ અહેવાલમાં જણાવ્યું છે. બ્રિટનમાં આતંકી હુમલાના ખતરાને ધ્યાને રાખીને વિવિધ સુરક્ષા એજન્સીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હુમલા સાથે સંકળાયેલી અને અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અહીં રજૂ કરી છે.
શું થયું હતું?
બુધવાર ૨૨ માર્ચે લંડનમાં બપોરે બે કલાક ૪૦ મિનીટે એક હુમલાખોરે સંસદ નજીક થેમ્સ નદી પર બનેલા પુલ વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર પૂરઝડપે કાર દોડાવી હતી. આમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને કેટલાય લોકોને ઇજા પહોંચી હતી. આ પછી કાર બેકાબૂ થઇને સંસદની રેલિંગને અથડાઇને અટકી ગઇ હતી.
હાથમાં ચાકુ લઇને હુમલાખોર કારમાંથી બહાર નીકળ્યો હતો અને સંસદ પરિસરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં ફરજ બજાવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરે આ નિઃશસ્ત્ર પોલીસ જવાનને ચાકુ મારી દેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ પછી બીજા સશસ્ત્ર પોલીસ જવાનોએ હુમલાખોરને ઠાર માર્યો હતો.
શું હુમલાખોર એકલો હતો?
વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું છે કે હુમલાખોર એક જ હતો. તેની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે તે હુમલાખોર અંગે જાણે છે, અને તે હજુ તેના સાથીદારોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે સંસદ બહાર થયેલા હુમલાનો સંબંધ ઇસ્લામી કટ્ટરતા સાથે હોવાની શક્યતા છે.
ઇજાગ્રસ્તો અંગે શું માહિતી છે?
અત્યાર સુધીમાં માત્ર માર્યા ગયેલા પોલીસ જવાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ૪૮ વર્ષના પોલીસ કોન્સ્ટેબલ કીથ પામર ૧૫ વર્ષથી પોલીસ સેવામાં હતા. ઇજાગ્રસ્તોમાં બીજા ત્રણ પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. આ સમારોહમાંથી પરત આવી રહેલા આ પોલીસ જવાનો વેસ્ટમિન્સ્ટર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. આમાંથી બેની હાલત ચિંતાજનક ગણાવાઇ રહી છે.
વેસ્ટ મિન્સ્ટર બ્રિજ પર ઘાયલ થયેલા લોકોમાં સાઉથ કોરિયાના પાંચ પર્યટક અને રોમાનિયાના બે નાગરિક સામેલ છે. લેન્કેશાયરની એક યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થી પણ ઘાયલ થયા છે. એક સ્કૂલ ટ્રિપ પર લંડન આવેલા ફ્રાન્સના ત્રણ બાળકો પણ ઇજાગ્રસ્તોમાં સામેલ છે.
લંડનમાં કેવો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે?
હુમલાના સમયે સંસદની કાર્યવાહી ચાલી રહી હતી, જેને સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજકીય નેતાઓ, પત્રકારો અને મુલાકાતીઓને લગભગ પાંચ કલાક સુધી સંસદ ગૃહમાંથી બહાર નીકળવા દેવાયા નહોતા. સંસદથી માંડીને નજીકમાં આવેલા વેસ્ટ મિન્સ્ટર એબે ચર્ચમાંથી સેંકડો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર આજે, ગુરુવારે સંસદની બન્ને બેઠકો નિયત સમય મુજબ જ શરૂ થશે.
લંડનના મેયરે કહ્યું છે કે આગામી દિવસોમાં લંડનના માર્ગો પર સશસ્ત્ર અને નિશસ્ત્ર પોલીસ જવાનોનો બંદોબસ્ત વધારી દેવામાં આવશે. બ્રિટનમાં ખતરાની આશંકા વધારીને સીવિયર (અતિ ગંભીર) જાહેર કરવામાં આવી છે. આનો મતલબ એ થયો હુમલાનું જોખમ ઘણું વધુ છે.


