લંડનઃ સુપ્રીમ કોર્ટના ૧૧ ન્યાયમૂર્તિઓની બેન્ચ સમક્ષ પાર્લામેન્ટના સસ્પેન્શનને પડકારતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. આ કાનૂની લડત ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં પાર્લામેન્ટના પાંચ સપ્તાહ માટે સસ્પેન્શન સામે બે અલગ કેસનો નિર્ણય કરશે, જેમાં વિરોધાભાસી ચુકાદા અપાયા છે. રીમેઈન કેમ્પેઈનર્સ દ્વારા વડા પ્રધાન જહોન્સને સત્તાનો દુરુપયોગ કર્યાની રજૂઆત કરાઈ છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પાર્લામેન્ટના સસ્પેન્શનને અટકાવી રાજકીય ક્ષેત્રમાં પ્રવેશવા સામે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓને ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યો છે કે આ જજીસનું અધિકારક્ષેત્ર નથી. સરકાર જો કેસ હારી જશે તો પણ ફરીથી પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવાનું નકારતી નથી. સુપ્રીમ કોર્ટના સુનાવણી કરી રહેલાં ૧૧ જસ્ટિસમાં લોર્ડ સેલ્સ, લેડી આર્ડેન, લેડી બ્લેક, લોર્ડ કેર, લોર્ડ હોજ, લેડી હેલ, લોર્ડ કિચીન, લોર્ડ લોઈડ-જોન્સ, લોર્ડ કાર્નવાથ, લોર્ડ વિલ્સન અને લોર્ડ રીડનો સમાવેશ થાય છે. રીમેઈન કેમ્પેઈનર જિના મિલર હાઈ કોર્ટમાં કેસ હારી ગયાં પછી સુપ્રીમ કોર્ટમાં આવ્યાં છે.
નોર્ધર્ન આયર્લેન્ડની કોર્ટના ચુકાદાએ પાર્લામેન્ટ સસ્પેન્શનના મુદ્દે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને રાહત આપી છે. નો ડીલના લીધે ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ અને શાંતિપ્રક્રિયાનો ભંગ થશે તેવી દલીલ પણ બેલફાસ્ટ હાઈ કોર્ટે સ્વીકારી નથી. બીજી તરફ, સ્કોટલેન્ડના ત્રણ જજની બેન્ચે વડા પ્રધાને પાર્લામેન્ટ સસ્પેન્ડ કરવા ક્વીનને આપેલી સલાહ કાયદાની વિરુદ્ધ અને ગેરમાર્ગે દોરનારી હોવાનો ચુકાદો આપ્યો હતો. આ અગાઉ, સિંગલ જજની કોર્ટે આ મામલામાં કોર્ટની કોઈ ભૂમિકા નહિ હોવાનું જણાવ્યું હતું. લંડન હાઈ કોર્ટે જણાવ્યું હતું કે રાજકારણની બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું કોર્ટનું કામ નથી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ, એમ ત્રણ કોર્ટના ચુકાદાઓ અલગ રહેતા અને તેની સામે અપીલો કરાતા આ વિવાદી મુદ્દો ૧૭ સપ્ટેમ્બરે લંડનની સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારણાર્થે આવ્યો છે.
બેલફાસ્ટ હાઈ કોર્ટના લોર્ડ જસ્ટિસ બર્નાર્ડ મેકક્લોસ્કીએ ત્રણ સંયુક્ત કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે સરકારનું વલણ ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કરતું નથી. એક દલીલ એવી હતી કે શાંતિપ્રક્રિયા દરમિયાન યુકે અને આઈરિશ સરકારોને સાંકળતી સમજૂતીઓ ૩૧ ઓક્ટોબરની નો-ડીલ પરિસ્થિતિથી ભયમાં મૂકાશે. જોકે, મુદ્દાઓ રાજકીય પ્રકારના હોવાનું જણાવી જજે આ દલીલ સ્વીકારી ન હતી. હવે નોર્ધર્ન આયર્લેન્ડની કોર્ટ ઓફ અપીલમાં આ ચુકાદા વિરુદ્ધ સુનાવણી થનાર છે.
દરમિયાન, જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે ક્વીનને કોઈ ખોટી સલાહ આપી નથી કે તેઓ જુઠ્ઠું બોલ્યા નથી. નવા લેજિસ્લેટિવ પ્રોગ્રામ માટે તેમને ચોખ્ખા માર્ગની જરૂર હતી. ઈંગ્લેન્ડ હાઈ કોર્ટ અમારી સાથે સંમત છે પરંતુ, હવે સુપ્રીમ કોર્ટે નિર્ણય લેવો પડશે. તેઓ સ્કોટિશ કોર્ટ પક્ષપાતી હોવાનું જણાવવાથી અળગા રહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ જજીસની કોઈ ટીકા નહિ કરે.
હવે યુકેની સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ ત્રણે કોર્ટના ચુકાદાની સમીક્ષા કરાશે. ૧૧ સીનિયર જજ ૧૭ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ સુધી પક્ષકારોની દલીલો સાંભળશે જે પછી આવનારો ચુકાદો વડા પ્રધાન અને દેશનું ભાવિ નિશ્ચિત કરશે. વડા પ્રધાન જહોન્સને કહ્યું છે કે બ્રેક્ઝિટ ડીલ વિશે ચર્ચા કરવા સંસદ પાસે ૧૭ અને ૧૮ ઓક્ટોબરનો સમય છે. વિપક્ષી લેબર પાર્ટીના નેતા જેરેમી ર્કોર્બિને કહ્યું હતું કે અમારો પક્ષ ચૂંટણી કરાવવા ઇચ્છે છે પણ જ્યાં સુધી બ્રેક્ઝિટમાં વિલંબ ન થાય ત્યાં સુધી અમે બોરિસ જહોન્સનની પાર્ટીને સાથ નહિ આપીએ.
એડિનબરામાં સિંગલ જજ લોર્ડ ડોહર્ટીએ પાર્લામેન્ટ સસ્પેન્ડ કરવાનું કાર્ય કાયદેસર ગણાવ્યું હતું પરંતુ, ત્રણ જજની બેન્ચે તે ચુકાદો ઉલટાવી નાખ્યો છે. ગત બુધવારે સ્કોટલેન્ડની સૌથી મોટી સિવિલ કોર્ટે બોરિસ સરકારના સંસદને બરખાસ્ત કરવાના નિર્ણયને ગેરકાયદે જાહેર કર્યો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે બોરિસ સરકારનો ઈરાદો અયોગ્ય છે. નવા લેજિસ્લેટિવ પ્રોગ્રામને આગળ વધારવાનો દાવો કરતા બોરિસ ખરેખર તો સાંસદોની ચકાસણીને ટાળવા ઈચ્છતા હતા. તેમણે ક્વીનને પોતાના ઈરાદાઓ વિશે ગેરમાર્ગે દોર્યા હતા.