લંડનઃ માત્ર બે મહિનાના ગાળામાં ક્વીને પાર્લામેન્ટની મુલાકાત બીજી વખત લીધી હોવાથી સત્રના ઉદ્ઘાટન સમારંભમાં કોઈ ઝાકમઝોળ જોવા મળી ન હતી. પ્રિન્સ ચાર્લ્સે પણ સર્વિસ યુનિફોમ ધારણ કર્યો ન હતો. આ સત્રની ઝલક આ મુજબ રહી હતી.
• ૯૩ વર્ષનાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પરંપરાગત ઝાકમઝોળ વિના હાઉસ ઓફ લોર્ડ્સમાં નવી પાર્લામેન્ટના સત્રને ખુલ્લું જાહેર કર્યું. બકિંગહામ પેલેસથી હાઉસ ઓફ લોર્ડ્સ જવાના તેમના સરઘસમાં અશ્વ સાથેની બગીનો ઉપયોગ કરાયો ન હતો અને તેઓ કારના કાફલા સાથે ગયાં હતાં.
• ક્વીને પરંપરાગત રોબ્સ અને તાજ ધારણ કર્યા ન હતાં અને ભૂરા-લીલા રંગનો દિવસનો પોશાક, કોટ અને હેટ સાથે પ્રવચન આપ્યું હતું. તેમની સાથે ગાદીના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ ઉપસ્થિત રહ્યા હતા.
• પ્રિન્સ ચાર્લ્સે પણ પોતાના સર્વિસ યુનિફોર્મંના બદલે કોટ પહેરવાનું પસંદ કર્યું હતું.
• નવા સ્પીકર સર લિન્ડસે હોયલ પણ પોતાની ભૂમિકા અનુસાર સમારંભ માટેનો સંપૂર્ણ ડ્રેસ પહેરવાથી વંચિત રહ્યા હતા કારણકે અધિકારીઓ છેલ્લે ૧૯૯૨માં ઉપયોગમાં લેવાયેલી પરંપરાગત સંપૂર્ણ વિગ શોધી શક્યા ન હતા.
• ક્વીને બે મહિનામાં બીજી વખત બકિંગહામ પેલેસથી હાઉસ ઓફ લોર્ડ્સની મુલાકાત લીધી છે. જોકે, આ વખતે બોરિસ જ્હોન્સને કોમન્સમાં ૮૦ બેઠકની જંગી બહુમતી હાંસલ કરેલી છે.
• બોરિસ જ્હોન્સન અને લેબરનેતા જેરેમી કોર્બીન ક્વીન્સ સ્પીચ માટે કોમન્સમાંથી લોર્ડ્સ જવા સાથે સાથે ચાલી રહ્યા હતા ત્યારે ચૂંટણીપ્રચાર દરમિયાનની કડવાશ અને બે મુખ્ય પ્રતિસ્પર્ધીઓના બદલાયેલા નસીબ પણ સ્પષ્ટપણે દેખાયા હતા.
• ખુશખુશાલ વડા પ્રધાન જ્હોન્સન કેમેરા સામે હસી લેવાની એક પણ તક ચૂક્યા નહિ. બીજી તરફ, નિરાશ દેખાતા કોર્બીન હસીમજાકના પ્રયાસોને સતત ટાળી રહ્યા હતા.


