લંડનઃ હાઉસ ઓફ કોમન્સના સભ્યોએ શુક્રવારે આસિસ્ટેડ સુસાઈડ બિલ- દયામૃત્યુની વિરુદ્ધમાં મત આપી તેને ફગાવી દીધું છે. અતિ ગંભીર હાલતના પેશન્ટ્સને મેડિકલ સુપરવિઝન હેઠળ જીવનનો અંત લાવવાની પરવાનગી આપતા સુધારાને સાંસદોએ ૨૧૨ મતથી નકારી કાઢ્યો છે. બિલની તરફેણમાં ૧૧૮ અને વિરુદ્ધમાં ૩૩૦ મત પડ્યા હતા.
વુલ્વરહેમ્પ્ટનના લેબર સાંસદ રોબ મેરિસ દ્વારા આ ખાનગી બિલ રજૂ કરાયું હતું. પૂર્વ એટર્ની જનરલ ડોમિનિક ગ્રીવે ચેતવણી આપી હતી કે આ કાયદો અમલી બનશે તો વર્ષે આશરે ૧,૫૦૦ લોકો પોતાના જીવનનો સ્વૈચ્છિક અંત લાવી શકે છે. અગાઉ, આ વર્ષના આરંભે પૂર્વ લોર્ડ ચાન્સેલર લોર્ડ ફાલ્કોનરે હાઉસ ઓફ લોર્ડ્સ સમક્ષ રજૂ કરેલી જોગવાઈઓનો કોમન્સ સમક્ષના બિલમાં સમાવેશ થયો છે. જે લોકો છ મહિનાથી વધુ લાંબુ નહિ જીવવાની શક્યતા ધરાવતા અતિ ગંભીર દર્દીઓને બે તબીબોના અભિપ્રાય પછી ડ્રગ્સનો જીવલેણ ડોઝ આપી શકાય તેવી જોગવાઈ આ બિલમાં હતી. આ ઉપરાંત, ૧૮થી વધુ વયનો સ્વસ્થ માનસિક હાલતનો પેશન્ટ સ્વેચ્છાએ જીવનનો અંત લાવવા ઈચ્છે છે તેવો સંતોષ હાઈ કોર્ટને થવો જોઈએ. આ સિવાય ૧૪ દિવસના વિચારવાના સમય પછી પેશન્ટની ઈચ્છાનુસાર ઘેર અથવા અન્યત્ર દવાનો ડોઝ આપી શકાય તેવી જોગવાઈ હતી.
સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં ચુકાદો આપ્યો હતો કે તેની પાસે આસિસ્ટેડ સુસાઈડ પરનો પ્રતિબંધ યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સ સાથે સુસંગત ન હોવાનું જાહેર કરવાની સત્તા છે, પરંતુ પાર્લામેન્ટ આ મુદ્દાનો નિકાલ લાવે તેમ તે ઈચ્છે છે. બીજી તરફ, યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સે જુલાઈમાં ચુકાદો આપ્યો હતો કે આસિસ્ટેડ સુસાઈડ કાયદા અંગે જે તે દેશોની સંસદ નિર્ણય કરી શકે છે.