'એશિયન વોઇસ'ના સ્પેશ્યલ એસાઇનેમેન્ટ એડિટર સુશ્રી રાની સિંઘના માતુશ્રી અને ભારતીય હાઇ કમિશનના ભૂતપૂર્વ અધિકારી સ્વ. હરબંસ સિંધના પત્ની પાર્સન હરબંસ સિંઘનું ગત તા. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ નિધન થયું છે. ૧૯૩૨માં ચિફ અોફ પોલીસ પિતાને ત્યાં જન્મેલા પાર્સને કોલકાતાની ખાન્સ ગર્લ્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ આશુતોષ કોલેજમાંથી બીએ અને કોલકાતા યુનિવર્સીટીમાંથી લોનો અભ્યાસ કર્યો હતો. હરબંસ સિંઘ સાથે લગ્ન કરીને તેઅો ૧૯૫૩માં ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા. તેઅો ઇંગ્લીશ, ઉર્દુ, બેંગોલી, હિન્દી અને પંજાબી ભાષા બોલી શકતા હતા. તે સમયે બ્રિટનમાં ખૂબ જ અોછા પ્રોફેશનલ્સ ભારતીયો વસતા હતા જેમાંના એક પાર્સન હતા.
૧૯૫૯માં તેમણે ક્વીન મધર્સના મનોરંજન અર્થે ભારતીય નૃત્ય કર્યું હતું અને વેસ્ટ લંડન બ્યુટી કોન્ટેસ્ટમાં તેમણે ઇનામ જીત્યું હતું. કેટલીક ફિલ્મોમાં અભિનય કરનાર તેમજ 'અજીત' ઉપનામ ધરાવતા પાર્સન સૌ પ્રથમ ભારતીય એજ્યુકેશન વેલ્ફેર અોફિસર બન્યા હતા. તેમણે વોલંટીયર પ્રોબેશન અોફિસર, સ્પેશ્યલ હેલ્થ અોથોરીટી તરીકે સેવાઅો આપી હતી અને ગ્રેટ બ્રિટન વીમેન્સ કાઉન્સિલના લાઇફ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ ચૂંટાયા હતા. તેમના સુપુત્રી ડિમ્પલ સાહનીએ તેમની અને પિતાની ખૂબજ કાળજી રાખી હતી. પાર્સનના અન્ય સંતાનોમાં રાની સિંઘ, કાકા અને રાજનો સમાવેશ થાય છે. પાર્સનની અંતિમક્રિયા ગુરૂવાર તા. ૭ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ બપોરે ૧-૩૫ કલાકે રાયસ્લીપ બ્રેક્સપીયર ક્રિમેટોરિયમ ખાતે થશે અને ભોગ ઇલીંગ ગુરૂદ્વારા ખાતે બપોરે ૩થી ૪ વચ્ચે થશે. સંપર્ક: દલજીત સાહની 07516 140 162.

