લંડનઃ પાર્સલ મોકલવાના સ્થળના આધારે વિવિધ દરોની વસૂલાત કરતી રોયલ મેઇલ સામે ગ્રાહકોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જો ગ્રાહક તેના ઘેરથી પોસ્ટમેન દ્વારા પાર્સલ મોકલે તેના દર કરતાં પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ મોકલે તો વધુ દર વસૂલવામાં આવતો હોવાનો આરોપ મૂકાઇ રહ્યો છે.
જો ગ્રાહક રોયલ મેઇલની વેબસાઇટ પરથી ક્લિક એન્ડ ડ્રોપ સર્વિસ દ્વારા ટ્રેક્ટ પોસ્ટેજની ખરીદી કરે તો તેને પૂરેપૂરી કિંમત ચૂકવવી પડે છે જ્યારે જો તે જ પાર્સલ પોસ્ટમેન દ્વારા તેના ઘેરથી કલેક્ટ કરવામાં આવે અથવા તો પોસ્ટ બોક્સ અને રોયલ મેઇલની ડિલિવરી ઓફિસ ખાતે ડ્રોપ કરાય તો ગ્રાહકને 20 પેન્સ ઓછા ચૂકવવા પડે છે.
ઘણા ગ્રાહકોની ફરિયાદ છે કે પાર્સલ સેવાઓ માટે અમારે અલગ અલગ કિંમત ચૂકવવી પડે છે. એક ગ્રાહકે જણાવ્યું હતું કે, શા માટે રોયલ મેઇલ મારા ઘેરથી પાર્સલ કલેક્ટ કરવા માટે વિનામૂલ્યે વાનની સેવા આપે છે પરંતુ જ્યારે હું પોસ્ટ ઓફિસ ખાતે પાર્સલ ડ્રોપ કરવા મારા ખર્ચે જાઉં છું ત્યારે તેઓ મારી પાસે 20 પેન્સ વધારાના વસૂલે છે.
બીજા એક ગ્રાહકે સવાલ કર્યો છે કે શું રોયલ મેઇલની ઓનલાઇન કિંમતો સાચી છે. જો હું પાર્સલને પોસ્ટ ઓફિસ ખાતે ડ્રોપ કરવા જાઉં છું ત્યારે વધારાના 20 પેન્સ ચૂકવવા પડે છે. મને તમારી કિંમતોમાં તફાવત સમજાતો નથી.
જોકે રોયલ મેઇલે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ અમારા નેટવર્કનો હિસ્સો નથી અને પોસ્ટ ઓફિસની સેવાઓના ઉપયોગ માટે આ ચાર્જ વસૂલવામાં આવે છે. અમે પાર્સલ ડ્રોપ ઓફ કરવા માટે અમારા ગ્રાહકોને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવીએ છીએ.
પોસ્ટ ઓફિસે જણાવ્યું હતું કે, અમારા ચાર્જમાં પોસ્ટ માસ્ટર દ્વારા અપાતી સેવાઓની કિંમત પણ સામેલ છે. રોયલ મેઇલ દ્વારા પાર્સલ લઇ ન જવાય ત્યાં સુધી તે ગ્રાહકના પાર્સલને સુરક્ષિત રાખવાની ફરજ બજાવે છે.


