લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સરકારી એજન્સીઓ પાસપોર્ટ ઓફિસ અને DVLA દ્વારા સેવાનું સ્તર ઊંચુ નહિ લવાય તો તેમના ખાનગીકરણની ધમકી આપી છે. પાસપોર્ટ ઓફિસ અને DVLA પાસેથી નવા ડોક્યુમેન્ટ્સ મેળવવામાં ભારે વિલંબ થાય છે તેનાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તે છે. બીજી તરફ, વ્હાઈટહોલ સિવિલ સર્વન્ટ્સમાં વર્ક ફ્રોમ હોમનાં કલ્ચરનો અંત લાવવામાં જેકોબ રીસ-મોગના પ્રયાસોને સફળતા મળી રહી નથી.
વડા પ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે કેટલીક સરકારી એજન્સીઓમાં હજુ કોવિડ પછીની આરામની સંસ્કૃતિ ચાલી રહી છે. નવા પાસપોર્ટ મળવામાં જે ભારે વિલંબ થઈ રહ્યો છે તેની પાછળ સિવિલ સર્વન્ટ્સની વર્ક ફ્રોમ હોમ પ્રેક્ટિસ હોવાનું કહેવાય છે. જ્હોન્સને કેબિનેટ મીટિંગમાં સરકારી એજન્સીઓ દ્વારા સેવા સારી રીતે અપાય તેના મહત્ત્વને દર્શાવ્યું હતું. લોકોએ પાસપોર્ટ રિન્યુઅલ્સ માટે વધુ નાણા ખર્ચવા પડે છે જે વર્તમાન જીવનનિર્વાહ કટોકટીના ગાળામાં મુશ્કેલ છે. કોરોના વાઈરસ નિયંત્રણોના કારણે 5 મિલિયન બ્રિટિશરોએ પોતાના પાસપોર્ટ રિન્યુ કરાવવામાં વિલંબ કર્યો હતો.
બ્રેક્ઝિટ પછી ઈયુના પ્રવાસ નિયમોમાં ફેરફાર થતાં પ્રવાસ કરતા બ્રિટિશરોએ ઈયુ દેશોમાં પ્રવાસ કરતી વખતે તેમના પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછાં મહિનાની હોવી જોઈએ બ્રિટિશરોએ પાસપોર્ટ રિન્યુ કરાવવાનો સામાન્યપણે ત્રણ સપ્તાહનો સમય લાગે તેના બદલે 10 સપ્તાહ સુધી રાહ જોવી પડે છે. બીજી તરફ, DVLA થકી પણ ડ્રાઈવિંગ લાયસન્સ પૂરા પાડવામાં ધીમું કામકાજ થઈ રહ્યું છે તેના માટે મિનિસ્ટર્સે ઓફિસે પરત નહિ થવાના વલણ પર દોષારોપણ કર્યું છે.


