લંડનઃ યુકેમાં પાસપોર્ટની અરજીઓનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે માઈગ્રેશન મિનિસ્ટર કેવિન ફોસ્ટરે સ્વીકાર્યું હતું કે પાસપોર્ટ ઓફિસમાં હાલ પણ ચારમાંથી એક અરજીનું પ્રોસેસિંગ જૂનીપુરાણી IT સિસ્ટમ મારફત જ કરાય છે જેને ખરેખર 2019માં સેવાનિવૃત્ત કરાવાની હતી. નવું ડિજિટલ એપ્લિકેશન પ્રોસેસિંગ પ્લેટફોર્મ 2019માં સંપૂર્ણપણે કાર્યરત કરાવાનું હતું જે શક્ય બન્યું નથી. જૂન મહિનાના અંત સુધીમાં આશરે 550,000 પાસપોર્ટ અરજીઓ પ્રોસેસિંગ માટે પડતર હતી તેમજ 10માંથી એક અરજી 10 સપ્તાહ જેટલા લાંબા વિલંબથી પડી રહી છે.
પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ અરજીઓના પ્રોસેસિંગ માટે જૂનીપુરાણી એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ (AMS)ના સ્થાને ડિજિટલ એપ્લિકેશન પ્રોસેસિંગ (DAP) સિસ્ટમ લાગુ કરવાની કામગીરી ચાલી રહી છે. આ નવી સિસ્ટમનો હેતુ મોટા પ્રમાણમાં અરજીઓ ઓનલાઈન કરાય તેવો છે જેથી અન્ય સ્રોતો પરનો બોજો ઘટે અને અરજદારો માટે પ્રક્રિયા ઝડપી બનાવી શકાય. DAP સિસ્ટમ પાસપોર્ટ ઓફિસ દ્વારા વિકસાવાઈ છે જેમાં સ્પેશિયાલિસ્ટ સપ્લાયર્સે મદદ કરી છે. આ પ્રોજેક્ટની શરૂઆતમાં જ વર્તમાન કોન્ટ્રાક્ટર્સનો 2019માં અંત આવશે અને DAP સર્વિસ તમામ એપ્લિકેશન પ્રોસેસિંગ હાથ ધરવા તૈયાર હશે તેમ સ્પષ્ટ કરાયું હતું.
આમ છતાં, તમામ પાસપોર્ટ અરજીઓમાંથી 25 ટકા કામગીરી માટે જૂની સિસ્ટમની જ મદદ લેવી પડે છે. કોરોના મહામારીના નિયંત્રણોના બે વર્ષમાં પાસપોર્ટ અરજીઓનું પ્રમાણ ઘણું ઘટી ગયું હતું. પાસપોર્ટ ઓફિસને આ વર્ષે 9 મિલિયન અરજી મળવાનો અંદાજ છે જે સંખ્યા 2019માં 6.9 મિલિયન હતી.


