લંડનઃ કેથેરાઈન ડચેસ ઓફ કેન્ટ અને નિકોલસ રોબિન્સને સંયુક્તપણે 2004માં સ્થાપેલી ચેરિટી ફ્યૂચર ટેલેન્ટ દ્વારા બ્રિટિશ પિઆનિસ્ટ રાકેશ ચૌહાણની તેના નવા એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે. આ ચેરિટી યુકેના ઓછી આવક ધરાવતા સમુદાયોમાંથી શ્રેષ્ઠ યુવાન સંગીત પ્રતિભાની ઓળખ અને તેમને સપોર્ટની કામગીરી કરે છે જેમાં નાણાકીય સપોર્ટ, વર્કશોપ્સ, મેન્ટોરિંગ અને પરફોર્મન્સની તકનો સમાવેશ થાય છે.
રાકેશ ચૌહાણ ચેરિટીના સ્ટિંગ, શેખુ કાન્નેહ-મેસન MBE અને ડેમ જૂડી ડેન્સ સહિતના એમ્બેસેડર્સ સાથે મળી ચેરિટીના કાર્યને સપોર્ટ કરશે. ચૌહાણે જણાવ્યું હતું કે,‘યુવા સંગીતકારોને સશક્તિકરણથી તેમની ગર્ભિત ક્ષમતાને બહાર લાવી શકીશું અને તેમના સંગીતની બક્ષિસ ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવામાં સહયોગી બનીશું. મને ફ્યૂચર ટેલન્ટ અને તેમના દૂરદૃષ્ટા ટ્રસ્ટીઓ સાથે એમ્બેસેડર તરીકે જોડાઈને તેમની દૃષ્ટિને સમર્થન આપવાનો આનંદ થઈ રહ્યો છે.’
ફ્યૂચર ટેલેન્ટના નિકોલસ નિકોલસ રોબિન્સને જણાવ્યું હતું કે,‘ અમે ફ્યૂચર ટેલેન્ટના નવા એમ્બેસેડર તરીકે રાકેશને આવકારતા ઘણા ખુશ છીએ. તેઓ મહત્ત્વાકાંક્ષી યુવા સંગીતકારો માટે ઘણા સારા આદર્શ છે અને અમારા મિશનને તેમના યોગદાન અને સકારાત્મક અસર માટે અમે ઉત્સુક છીએ.’


