લંડનઃ એનએચએસમાં મિડવાઇવ્ઝને પિતરાઇઓ વચ્ચેના લગ્નસંબંધથી થનારા સંભવિત લાભના પાઠ ભણાવાતા હતા. આરોગ્ય સત્તાવાળાઓએ હવે આ મામલાની તપાસ હાથ ધરી છે. પિતરાઇઓ વચ્ચેના લગ્નસંબંધથી પેદા થનારા સંતાનોમાં ઘણી જન્મજાત ખામીઓ રહેતી હોવાની વાસ્તવિકતા છતાં મિડવાઇવ્ઝને ગેરમાર્ગે દોરવામાં આવી હતી.
મિડવાઇફરી ગાઇડન્સમાં જન્મજાત ખામી અને રોગ અંગે વ્યક્ત કરાતી ચિંતાઓને અનિચ્છનિય ગણાવવામાં આવી છે. ગાઇડન્સ અનુસાર પિતરાઇઓ વચ્ચેના લગ્નસંબંધથી પેદા થનારા 85થી 90 ટકા સંતાનમાં કોઇ પ્રકારની ખામી કે રોગ હોતાં નથી.
ગાઇડન્સમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પિતરાઇઓ વચ્ચેના લગ્નસંબંધથી પેદા થતા સંતાનોના આરોગ્ય અંગેના જોખમો રહેલાં છે પરંતુ તે સંભવિત લાભો સાથે સંતુલિત હોય છે. પિતરાઇ સાથે લગ્ન કરવાથી આર્થિક લાભ થાય છે તેમજ લાગણીશીલ અને સામાજિક બંધનો મજબૂત બને છે.
મુસ્લિમોમાં પિતરાઇ વચ્ચેના લગ્નસંબંધ સામાન્ય બાબત છે ત્યારે ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓએ સાઉથ એશિયન અને મુસ્લિમ દર્દીઓને પિતરાઇ સાથેના લગ્નસંબંધના કારણે જન્મેલા બાળકો મુદ્દે ડરાવવા જોઇએ નહીં કારણ કે કેટલાક સમાજમાં પિતરાઇ સાથેના લગ્નસંબંધ સામાન્ય બાબત છે.

