લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયને કેન્સર હોવાનું નિદાન થયાના સમાચાર મળતાં જ અમેરિકાથી દોડી આવેલા પ્રિન્સ હેરી સાથેની તેમની મુલાકાતે પરિવારમાં વ્યાપેલી કડવાશ દૂર થાય તેવો આશાવાદ સર્જ્યો છે. પ્રિન્સ હેરી અને કિંગ ચાર્લ્સ વચ્ચે 45 મિનિટ લાંબી મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત તેમની વચ્ચેના સંબંધો ફરી એકવાર સ્થાપિત થાય તેવા સંકેત આપી રહી છે.
પ્રિન્સ હેરી અને કિંગ વચ્ચે કિંગ ચાર્લ્સના તાજપોશી સમારોહમાં મુલાકાત થઇ હતી. ત્યારપછીના સમયગાળામાં પ્રિન્સ હેરી લંડનની તેમની મુલાકાતો દરમિયાન પિતા અને ભાઇ પ્રિન્સ વિલિયમને મળ્યા નહોતા. પેલેસ દ્વારા કિંગની બીમારીની જાહેરાત કરાઇ તે પહેલાં પ્રિન્સ હેરીએ અમેરિકાથી પિતા સાથે ફોન પર વાત કરી હતી અને ત્યારબાદ તેઓ લોસ એન્જલસથી ફ્લાઇટ પકડીને સીધા લંડનમાં ક્લેરેન્સ હાઉસ પહોંચ્યા હતા જ્યાં કિંગ ચાર્લ્સ વસવાટ કરે છે.
એવા પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે કે પ્રિન્સ હેરી સાથે મુલાકાત થઇ શકે તે માટે કિંગ ચાર્લ્સે સેન્ડરિંગહામ જવામાં વિલંબ કર્યો હતો. પ્રિન્સ હેરી લંડન આવી રહ્યા છે તેવી જાણ થતાં કિંગ ચાર્લ્સે તેમની હેલિકોપ્ટર ફ્લાઇટને વિલંબિત કરી પુત્ર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પિતા અને પુત્ર વચ્ચેના સંબંધોમાં વ્યાપેલી કડવાશ દૂર કરે તેવી સંભાવના છે.


