લંડનઃ નોર્થવેસ્ટ લંડનના લક્ષ્મીકાન્ત પટેલના નિધન બાદ તેમની સંપત્તિની વહેંચણીનો મામલો અદાલતમાં પહોંચ્યો છે. લક્ષ્મીકાન્ત પટેલે તેમની એક દીકરી અંજુ પટેલને 6 લાખ પાઉન્ડની પ્રોપર્ટી વારસામાં આપી દીધી છે જ્યારે અન્ય દીકરી ભાવેનેત્તા સ્ટુઅર્ટ બ્રાઉન અને દીકરા પીયૂષ પટેલને તેમની સંપત્તિમાંથી ફક્ત 250 – 250 પાઉન્ડ અપાયા છે. જેના કારણે ભાવેનેત્તાએ અદાલતના દ્વાર ખખડાવ્યાં છે. લક્ષ્મીકાન્ત પટેલના વીલ પ્રમાણે અંજુ પટેલ તેમની યોગ્ય દીકરી હતી જ્યારે ભાવેનેત્તા અને પીયૂષમાં ફરજનો અભાવ હતો.
4 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા લક્ષ્મીકાન્ત પટેલ ધાર્મિક પ્રકૃતિના હતા અને નિસડનના સ્વામીનારાયણ મંદિરની દરરોજ મુલાકાત લેતાં હતાં. 1970ના દાયકાના પ્રારંભે તેઓ યુગાન્ડાથી યુકે આવ્યા હતા અને ફોર્ડ મોટર પ્લાન્ટમાં જોબ કરતા હતા. તેમના પત્ની શારદાબેન ન્યૂઝએજન્ટ શોપ ચલાવતા હતા. આ દંપતીએ હિન્દુ મંદિરને 1,80,000 પાઉન્ડનું દાન આપ્યું હોવાનું પણ કહેવાય છે. લક્ષ્મીકાન્તે ભાવેનેત્તા અને પીયૂષને વીલમાં 250-250 પાઉન્ડ આપતાં જણાવ્યું હતું કે એક પિતા તરીકે હું તેમને ભૂલી શક્તો નથી. તેમના મતે આ બંને પિતા પ્રત્યેની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયાં હતાં.