પીએનબી કૌભાંડઃ નિરવ મોદીના જામીન ત્રીજી વખત પણ નકારાયા

હવે ૩૦ મેએ પ્રત્યાર્પણ કેસની સુનાવણીઃ ૨૦ લાખ પાઉન્ડની સિક્યુરિટી અને ૨૪ કલાક નજરકેદની ઓફર ફગાવાઈ

Wednesday 15th May 2019 02:26 EDT
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રુપિયાની છેતરપીંડીના આરોપી અને હીરાના વેપારી નિરવ મોદીને જામીન આપવા વેસ્ટમિન્સ્ટર કોર્ટે ત્રીજી વખત ઈનકાર કર્યો છે. વકીલોએ નવી અપીલમાં સિક્યુરિટીની રકમ વધારવા તેમજ લંડન ફ્લેટમાં નજરબંદ રાખવાની ઓફર કરી હતી. કોર્ટે જણાવ્યું છે કે બે બિલિયન ડોલર (રુપિયા ૧૩,૫૦૦ કરોડ)ના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપીને જામીન આપવામાં આવશે તો તે સમર્પણ નહિ કરે તેની પૂરેપૂરી શક્યતા છે. વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયેલા નિરવ મોદીના પ્રત્યાર્પણ કેસની સુનાવણી હવે ૩૦ મેએ યોજાશે.

તેના બેરિસ્ટર ક્લેર મોન્ટેગોમેરીએ જણાવ્યું હતું કે જેલમાં તેનો અનુભવ બહુ ખરાબ રહ્યો છે. તેઓ જામીન માટે કોર્ટ દ્વારા લદાનારી કોઈ પણ શરતોનું પાલન કરવા તૈયાર છે કારણકે જેલમાં રહેવું અસહ્ય છે. નિરવ મોદીના વકીલોની ટીમે કોર્ટને ૨૦ લાખ પાઉન્ડની સિક્યુરિટી અને લંડનના સેન્ટરપોઈન્ટ માં ૨૪ કલાક નજરકેદ રહેવાની પણ ઓફર કરી હતી. જોકે, મોદી તરફથી કરાયેલી ઓફરની જજ પર કોઈ અસર થઈ ન હતી. આ ઓફર અંગે જજે કહ્યું કે આ એક મોટું કૌભાંડ છે અને ૨૦ લાખ પાઉન્ડની રકમ એટલી મોટી નથી કે તેનાથી સુનિશ્ચિત થાય કે આરોપી ૧૦૦ ટકા સમર્પણ કરશે. સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડાંનું જોખમ પણ ધ્યાનમાં લેવાયું હતું. બ્રિટનમાં તેના સામુદાયિક સંબંધો સારા છે અને તે બ્રિટન છોડી ભાગી નહિ જાય તેનો જજને વિશ્વાસ અપાવવામાં મોદીને નિષ્ફળતા મળી હતી.

આ અગાઉ ભારતીય સત્તાવાળાઓ વતી હાજર ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું હતું કે બચાવ પક્ષના વકીલો દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં એટલું તથ્ય નથી કે નિરવ મોદીને જામીન આપવામાં આવે. સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા ૧૯ માર્ચે સેન્ટ્રલ લંડનની એક બેન્કની શાખામાંથી ઝડપી લેવાયેલા નિરવ મોદીએ ચાર વખત જામીન માટે અરજી કરી છે, જેને કોર્ટે સ્વીકારી નથી.

લાઈટ બ્લુ શર્ટ અને ટ્રાઉઝરમાં ૪૮ વર્ષીય નિરવ મોદી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટ સમક્ષ હાજર થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter