પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્રે નોંધપાત્ર પ્રગતિ કરી – બોબ બ્લેકમેન

મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતને ભારતીય અર્થતંત્રનું પાવરહાઉસ બનાવ્યું હતું - બ્લેકમેન

Tuesday 21st February 2023 12:49 EST
 
 

લંડન

યુકેના સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, બ્રિટિશ સરકાર ભારતને એક મજબૂત મિત્ર અને સહયોગી દેશ માને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અર્થતંત્રમાં સુધારામાં ભારતે નોંધપાત્ર કામગીરી કરી છે અને ભારત ફરી એકવાર વિશ્વના અગ્રણી અર્થતંત્રોમાં સામેલ થયો છે. એક અખબારી મુલાકાતમાં બ્લેકમેને જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચે સુરક્ષા, સંરક્ષણ અને અન્ય મામલાઓ પર કરાર થયાં છે જે બંને દેશ વચ્ચે પ્રવર્તતા સારા સંબંધો દર્શાવે છે.

બ્લેકમેને જણાવ્યું હતું કે, બંને દેશનો સહિયારો ઇતિહાસ રહ્યો છે અને આપણી સામે હવે ઉજ્જવળ ભવિષ્ય છે. હાલ બંને દેશ વચ્ચે ઉત્કૃષ્ટ વેપાર કરાર અંગે મંત્રણા ચાલી રહી છે જેના કારણે બંને દેશને લાભ થશે. તેથી બંને દેશની મિત્રતાના પાયાને હાનિ પહોંચાડનાર કોઇપણ બાબત ખેદજનક છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયને યાદ કરતાં બ્લેકમેને જણાવ્યું હતું કે, મોદીએ તે સમયે ગુજરાતને ભારતીય અર્થતંત્રનું પાવર હાઉસ બનાવી દીધું હતું અને હવે વડાપ્રધાન તરીકે ભારતને નવું સ્વરૂપ આપી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે જ્યાં જનતાની ઇચ્છા પ્રમાણે સરકારની રચના થાય છે. તેના કારણે જ ભારત અને યુકે વચ્ચેની મિત્રતા અને સંબંધો અત્યંત મહત્વના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter