લંડન
દેશમાં વધી રહેલા મહિલાઓ અને ક્ન્યાઓ પ્રત્યેના અપરાધના કારણે વડાપ્રધાન રિશી સુનાક તેમની દીકરીની સુરક્ષા માટે પણ ઘણા ચિંતિત છે. રિશી સુનાકે જણાવ્યું હતું કે, મારી દીકરી જ્યારે ચાલતી શાળાએ જાય છે ત્યારે મને તેની સુરક્ષા અંગે ચિંતા રહે છે. ગયા વર્ષની ઘટનાઓ દર્શાવે છે કે મહિલાઓ અને કન્યાઓ પોતાને સુરક્ષિત અનુભવતી નથી. તેમણે વર્ષના પ્રારંભે લિવરપૂલમા પોતાના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરાયેલી 9 વર્ષની ઓલિવિયા પ્રેટ કોર્બેલનો ઉલ્લેખ કર્યો હતો.
રિશી સુનાકે જણાવ્યું હતું કે, મારી દીકરીઓ સહિત દેશનું દરેક બાળક એકલું જતું હોય ત્યારે પોતાને સુરક્ષિત સમજે તે પ્રકારનું વાતાવરણ હું સુનિશ્ચિત કરવા માગુ છું. ભૂતકાળમાં આપણે બધા સુરક્ષાને હળવાશથી લેતાં રહ્યાં છીએ. હું બ્રિટનની સડકોને જનતા માટે સુરક્ષિત કરવા માગુ છું. તે મારા માટે અત્યંત મહત્વનું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, મારી દીકરી 11 વર્ષની થઇ ત્યારે તે એકલી ચાલીને શાળામાં જવા ઇચ્છતી હતી. તેથી હું અને મારો પરિવાર ડાઉનિંગ સ્ટ્રીટ છોડીને તેની શાળાની નજીક રહેવા ગયા હતા. માતાપિતા તરીકે આપણને આપણા સંતાનોની સુરક્ષા અંગે ઘણી ચિંતા રહે છે. મારા સંતાનો સહિત દેશની દરેક વ્યક્તિ સડકો પર સંપુર્ણ સુરક્ષિત અનુભવે તે હું સુનિશ્ચિત કરવા માગુ છું. દરેક માતા-પિતા પોતાના સંતાનની સુરક્ષા ઇચ્છે છે.
કાયદો અને વ્યવસ્થાની જાળવણી પર સુનાકે જણાવ્યું હતું કે, સમાજના નબળા વર્ગના લોકોને અપરાધોનો વધુ સામનો કરવો પડે છે. હું સડકો પર વધુ પોલીસ તહેનાત કરીને તેમને સુરક્ષિત કરવા ઇચ્છું છું. સરકાર માર્ચ 2023 સુધીમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 20,000 વધારાના પોલીસ અધિકારી તહેનાત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.


