લંડનઃ જયપુરમાં એક વિશેષ સમારોહમાં ભાગ લેવા પહોંચેલા બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને જમ્મુ-કાશ્મીર પર બેધડક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો હોવું જોઇએ.
જયપુરની કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે બ્લેકમેને જણાવ્યું હતું કે, 2019માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્ટિકલ 370 નાબૂદ કરાયો તેના 3 દાયકા પહેલાં હું તેને નાબૂદ કરવાની માગ કરી રહ્યો હતો. કાશ્મીર ખીણમાંથી 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોનું પલાયન શરૂ થયું ત્યારથી હું આ માગ કરી રહ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આર્ટિકલ 370 નાબૂદ કર્યો ત્યારથી હું તે અંગે વાત કરી રહ્યો નથી. 1992માં કાશ્મીરી પંડિતોને જમ્મુ-કાશ્મીરમાંથી હાંકી કઢાયા ત્યારથી હું આ માગ કરી રહ્યો હતો.
પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીર પર પાકિસ્તાનના નિયંત્રણનો વિરોધ કરતાં બ્લેકમેને જણાવ્યું હતું કે, પાકિસ્તાને કાશ્મીર પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. 1990ના દાયકાથી હું કાશ્મીરી પંડિતોને થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવતો રહ્યો છું.


