લંડનઃ યુકેની મુલાકાતે આવેલા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે બુધવારે લંડનમાં ચેથમ હાઉસ થિન્ક ટેન્ક ખાતે ઇન્ડિયાઝ રાઇઝ એન્ડ રોલ ઇન વર્લ્ડ વિચારગોષ્ઠિમાં કાશ્મીર અને આર્ટિકલ 370 નાબૂદ કરવાના મોદી સરકારના પગલાં સહિત આર્થિક મામલા અને ચૂંટણીઓમાં વધી રહેલા મતદાન અંગે ચર્ચા કરી હતી.
કાશ્મીર અંગેના સવાલ પર જયશંકરે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં અમે સારી કામગીરી કરી છે અને મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ લાવ્યાં છીએ. મને લાગે છે કે આર્ટિક 370ની નાબૂદી તેમાંનું પ્રથમ પગલું હતું. બીજા પગલાંમાં અમે કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિને પુનઃસ્થાપિત કરી અને સામાજિક ન્યાય બહાલ કર્યો હતો. મોદી સરકારની ત્રીજી સફળતા કાશ્મીરમાં ચૂંટણી કરાવવી અને ભારે મતદાન હતાં. બસ હવે કાશ્મીરનો પડાવી લેવાયેલો ભાગ ભારતને પરત મળે. પાકિસ્તાને કાશ્મીર પર ગેરકાયદેસર કબજો કરેલો છે. તે મળી જશે ત્યારે કાશ્મીર વિવાદનો અંત આવી જશે.
ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ ભારતના હિતો માટે સારીઃ જયશંકર
જયશંકરે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ કામ કરી રહેલું અમેરિકી વહીવટીતંત્ર બહુધૃવીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ ભારતના હિતમાં છે. બંને દેશ દ્વિપક્ષીય વેપાર કરાર માટે સહમત થયાં છે. ટ્રમ્પની નીતિઓ ભારત માટે સારી છે.


