લંડન
પીક અવર્સમાં વીજળીનો વપરાશ ઘટાડનારા ગ્રાહકોને વળતર આપવાની નેશનલ ગ્રીડ દ્વારા જાહેરાત કરાઇ છે. નેશનલ ગ્રીડને આશા છે કે તેની આ સ્કીમ દ્વારા પીક અવર્સમાં વીજળી કાપનું જોખમ ઘટાડી શકાશે. નેશનલ ગ્રીડ દ્વારા નવેમ્બરથી માર્ચ દરમિયાન 12 ટેસ્ટ પીરિયડ હાથ ધરાશે જે દરમિયાન ગ્રાહકોએ વીજળીનો વપરાશ ઘટાડવાનો રહેશે. આ રીતે પીક અવર્સમાં વીજળીની માગ ઘટાડવાનો નેશનલ ગ્રીડનો ઇરાદો છે.
નેશનલ ગ્રીડ દ્વારા એક કલાકના આ ટેસ્ટ દરમિયાન પ્રતિ કિલો વોટ-અવર વીજળીની બચત માટે ગ્રાહકોને લઘુત્તમ 3 પાઉન્ડ ચૂકવવામાં આવશે. તેનો અર્થ એ થયો કે નેશનલ ગ્રીડ દ્વારા વિનંતી કરાય તે દિવસોમાં વીજળીનો વપરાશ ઘટાડવાથી 20 પાઉન્ડ પ્રતિ દિવસનું વળતર મેળવી શકાશે. તેનો અર્થ એ થયો કે ગ્રાહકો નેશનલ ગ્રીડના આ ટેસ્ટ દરમિયાન વીજળીનો વપરાશ ઘટાડીને 240 પાઉન્ડનું વળતર મેળવી શકશે. આ માટે ઘરમાં સ્માર્ટ મીટર હોવું જરૂરી છે.
નેશનલ ગ્રીડના ટેસ્ટ પીરિયડમાં ગ્રાહકોએ પીક અવર્સમાં વોશિંગ મશીન, કૂકિગ એપ્લાયન્સિઝનો ઉપયોગ બંધ કરવો પડશે. રાત્રી દરમિયાન તેઓ વોશિંગ મશીનનો ઉપયોગ કરી શકે છે.


