લંડનઃ પીટરબરોના ભારત હિન્દુ સમાજ મંદિર વિવાદમાં હાઇકોર્ટના જજે પ્રોપર્ટીના વેચાણ પરનો મનાઇ હુકમ લંબાવી દેતાં હિન્દુ સમાજને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે પીટરબરો સિટી કાઉન્સિલને પેપર વર્ક તૈયાર કરવા અને ભારત હિન્દુ સમાજને તમામ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા જૂન મહિનામાં આગામી સુનાવણી હાથ ધરાય તે પહેલાં સોંપવાનો આદેશ આપ્યો હતો.
પીટરબરોમાં મિડફિલ્ડ સ્થિત લિન્કન રોડ પર આવેલ ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સનું વેચાણ કરવાના કાઉન્સિલના નિર્ણયની ન્યાયિક સમીક્ષાની માગ ભારત હિન્દુ સમાજ દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ કરાઇ હતી. મંદિર સત્તાવાળાઓની અરજીના આધારે મિસ્ટર જસ્ટિસ ફોર્ડહામે ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સના વેચાણની પ્રક્રિયા સ્થગિત કરી દેવા કાઉન્સિલને આદેશ આપ્યો હતો.
હવે વધુ વિચારણા બાદ મિસ્ટર જસ્ટિસ ફોર્ડહામે મનાઇહુકમ આગામી સુનાવણી હાથ ધરાય ત્યાં સુધી લંબાવી દીધો છે. હવે આગામી સુનાવમી મેના અંત અથવા તો જૂનના પ્રારંભે યોજાશે. ભારત હિન્દુ સમાજના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી હિન્દુ શ્રદ્ધાળુઓને ઘણી રાહત મળી છે.
કાનૂની જંગ માટે 97,000 પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું, પીટિશન પર 19,126 હસ્તાક્ષર
બીજીતરફ આ કાનૂની લડાઇ લડવા માટે હિન્દુ સમાજ દ્વારા ગોફંડડોટમી પેજના માધ્યમથી અત્યાર સુધીમાં 97,000 પાઉન્ડનું ભંડોળ એકઠું કરી લેવામાં આવ્યું છે. મંદિરના ફંડ રેઇઝર્સ પૈકીના એક મિતેશ સિસોદિયાએ જણાવ્યું હતું કે, અમને હિન્દુ સમાજનો વ્યાપક સહકાર મળી રહ્યો છે. અમને ભારત, અમેરિકા, કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયાથી પણ સહાય પ્રાપ્ત થઇ રહી છે. અમને ફક્ત હિન્દુઓ જ નહીં પરંતુ ખ્રિસ્તી અને મુસ્લિમ બિરાદરો પાસેથી પણ ડોનેશન પ્રાપ્ત થયાં છે. મંદિરના જણાવ્યા અનુસાર કાનૂની લડાઇ લડવા માટે 86,000 પાઉન્ડની જરૂર છે. જેની મદદથી અમે સ્પેશિયાલિસ્ટ પબ્લિક સોલિસિટર્સ અને બેરિસ્ટર રોકી શકીશું. મંદિર સાઇટનું વેચાણ અટકાવવા શરૂ કરાયેલી પીટિશનમાં અત્યાર સુધીમાં 19,126 હસ્તાક્ષર પ્રાપ્ત થયાં છે.


