પીટરબરો હિન્દુ મંદિરના વેચાણ પર હંગામી મનાઇહુકમ

કાઉન્સિલના વલણને કારણે કોર્ટનો તાત્કાલિક હસ્તક્ષેપ, પ્રાથમિક દ્રષ્ટિએ મજબૂત કેસ હોવાનું તારણ

રૂપાંજના દત્તા Tuesday 03rd March 2026 11:33 EST
 
 

 પીટરબરોમાં હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ભારત હિન્દુ સમાજ મંદિરના ભાવિ મુદ્દે વધી રહેલા વિવાદમાં હાઇકોર્ટના જજના હસ્તક્ષેપ બાદ લોકલ ઓથોરિટી અને રસ ધરાવતા ખરીદદાર-પક્ષકાર (ગુજરાત સમાચારે મેળવેલા કોર્ટ ઓર્ડર અનુસાર મસ્જિદ અને ઇસ્લામિક સેન્ટર) સામેની કાનૂની લડાઇના પ્રથમ રાઉન્ડમાં ભારત હિન્દુ સમાજ મંદિરનો વિજય થયો છે.

એક અર્જન્ટ ઓર્ડરમાં એડમિનિસ્ટ્રેટિવ કોર્ટ ઓફ કિંગ્સ બેન્ચ ડિવિઝને પીટરબરો સિટી કાઉન્સિલને ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સના વેચાણના મામલામાં કોઇપણ બદલી ન શકાય તેવું પગલું લેવા પર મનાઇ ફરમાવી છે. આ કોમ્પ્લેક્સમાં છેલ્લા 40 વર્ષથી ભારત હિન્દુ સમાજ મંદિર આવેલું છે.

મિસ્ટર જસ્ટિસ ફોર્ડહામે સ્પષ્ટ કર્યું છે કે મનાઇ હુકમથી વિવાદનું સમાધાન થતું નથી. જજનો આદેશ મંદિરના ટ્રસ્ટ દ્વારા સંપુર્ણ ન્યાયિક સમીક્ષા માટેના પડકારની કોર્ટ દ્વારા વિચારણા ન થાય ત્યાં સુધી યથાસ્થિતિનો નિર્દેશ આપે છે. આ આદેશના પગલે પીટરબરો અને આસપાસના હજારો હિન્દુ શ્રદ્ધાળુઓને તેમનું આધ્યાત્મિક કેન્દ્ર ગુમાવી દેવું પડશે તેવા ભયમાંથી હંગામી રાહત મળી છે.

મનાઇ હુકમ સાથે આપેલા કારણોમાં જજે જણાવ્યું હતું કે, કાઉન્સિલના પોતાના વલણને કારણે કોર્ટે તાકિદે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે. કાઉન્સિલે જાતે જ આ સ્થિતિનું નિર્માણ કર્યું છે એમ લાગી રહ્યું છે. જોકે કાઉન્સિલે ચિંતા ઉપજાવે એવા વ્યવહારોનો સ્વીકાર કર્યો છે પરંતુ તે પ્રોપર્ટીના વેચાણની વ્યવહારૂ સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter