પીટરબરોના હજારો હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છિનવાયું

હિન્દુ સમુદાયની અપીલો છતાં કાઉન્સિલે અન્ય બીડરને ભારત હિન્દુ સમાજ મંદિરની જગ્યા વેચી દેવાનો નિર્ણય કર્યો

Tuesday 17th February 2026 10:56 EST
 
 

લંડનઃ પીટરબરોમાં સ્થિત હિન્દુ મંદિરની જગ્યા ખરીદવાનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ જતાં હિન્દુ શ્રદ્ધાળુઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ મંદિર 14,000 હિન્દુ શ્રદ્ધાળુઓને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ઉપલબ્ધ કરાવે છે. પીટરબરો સિટી કાઉન્સિલની કેબિનેટે બજેટ સરભર કરવા માટે આ જગ્યા હવે એક અજાણ્યા નિવિદાકારને વેચી દેવાનો નિર્ણય કર્યો છે.

મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ એકતા પટેલે જણાવ્યું હતું કે, અમે મંદિરને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા પરંતુ કાઉન્સિલ તરફથી અમને હતાશા જ મળી છે. કેબિનેટના આવા નિર્ણયની અમે અપેક્ષા રાખી નહોતી. આ અમારા માટે ઘણો સંવેદનશીલ સમય છે. અમારી પીડા અને દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તેમણે સિટી કાઉન્સિલને આ જગ્યા ખરીદવા માટે 1.3 મિલિયન પાઉન્ડની ઓફર આપી હતી. મંદિરના સત્તાવાળાઓ ઘણા વર્ષોથી આ જગ્યા ખરીદવા માટે રકમ એકઠી કરી રહ્યાં હતાં. આ જગ્યા ખાતે અન્ય 6 ભાડૂઆતો પણ છે.

કાઉન્સિલના કેબિનેટ મેમ્બર મોહમ્મદ જમીલે જણાવ્યું હતું કે, અમે હિન્દુ સમુદાયની લાગણી સારી રીતે સમજી શકીએ છીએ અને અમે તેમની સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. આ નિર્ણયને કારણે આ બિલ્ડિંગના અન્ય કબજેદારોને પણ અમે મદદ કરીશું.

મંદિરના ટ્રસ્ટી ગૌરી ચૌધરીએ જણાવ્યું હતું કે, મંદિરની જગ્યાનું વેચાણ પ્રોપર્ટી ટ્રાન્સફર કરતાં પણ વધુ અફસોસજનક છે. એવું લાગી રહ્યું છે કે અમે નાણા એકઠાં કર્યાં હતાં અને આ જગ્યા ખરીદવા માગતા હતા. મંદિરની કમિટીએ જણાવ્યું છે કે અમારા માટે આ નિર્ણયની અસર ઘણી ગંભીર છે. અમારા વૃદ્ધોની મહત્વની લાઇફલાઇન છીનવાઇ ગઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter