પીટરબરોની જ્વેલરી શોપમાં ધોળાદિવસે લૂંટ, હુમલામાં ઘાયલ કર્મચારીનું મોત

બ્રેડફોર્ડના સુબુર અહેમદ અને વસીમ ઇકબાલની શંકાના આધારે ધરપકડ

Tuesday 24th November 2026 09:10 EST
 
 

લંડનઃ પીટરબરોમાં 14 નવેમ્બરના રોજ બપોરના સુમારે લાલા જ્વેલર્સ નામની દુકાનમાં 6 લૂટારા ત્રાટક્યા હતા. કાઉન્ટર પાછળ હાજર બે કર્મચારીઓ પર હુમલો કરીને દુકાનમાંથી દાગીનાની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ હુમલામાં 55 વર્ષીય કર્મચારી અંસાર મહમૂદને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને અત્યંત નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં 30 વર્ષીય અન્ય એક કર્મચારીને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ મામલે પોલીસે બ્રેડફોર્ડના રહેવાસી 20 વર્ષીય સુબુર અહેમદ અને 43 વર્ષીય વસીમ ઈકબાલની લૂંટની શંકાના આધારે ધરપકડ કરી હતી. બંને વિરુદ્ધ લૂંટ અને ગુનાહિત મિલકત રાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શુક્રવારે બંને આરોપીઓને કેમ્બ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. કેમ્બ્રિજશાયર પોલીસના મેજર ક્રાઈમ યુનિટ દ્વારા  મહમૂદના મોતની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ ગ્લેડસ્ટોન સ્ટ્રીટ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

સુપરિન્ટેન્ડેન્ટ ઓલી વોરસોપે જણાવ્યું હતું કે, અમે આ ગુનામાં સામેલ તમામ આરોપીઓને કાયદાના સકંજામાં લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. કોઈપણ વ્યક્તિએ ઘટના પહેલાં કે પછી કોઈ શંકાસ્પદ હિલચાલ જોઈ હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter