લંડનઃ લંડનના પીટરબરોમાં આવેલ એકમાત્ર હિન્દુ મંદિર પર બંધ થવાનું જોખમ તોળાઇ રહ્યું છે. ભારત હિન્દુ સમાજ મંદિરની સ્થાપના 1984માં પીટરબરોમાં ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સ ખાતે કરાઇ હતી. કેમ્બ્રિજશાયર, નોરફ્લોક અને લિન્કનશાયરમાં વસતા 13500 હિન્દુઓ માટે આ એક માત્ર મંદિર હતું. મંદિર જે ઇમારતમાં છે તેની માલિકી પીટરબરો સિટી કાઉન્સિલ ધરાવે છે. દેવા ચૂકવવા માટે હવે કાઉન્સિલે આ ઇમારત વેચી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે મંદિર સત્તાવાળાઓએ આ ઇમારત ખરીદવા માચે નિવિદા આપી છે.
મંદિરના પ્રમુખ કિશોર લાડવાએ જણાવ્યું હતું કે અમે કાઉન્સિલને 1.3 મિલિયન પાઉન્ડમાં આ ઇમારત ખરીદવાની ઓફર એપ્રિલમાં આપી હતી પરંતુ સપ્ટેમ્બરમાં કાઉન્સિલે જણાવ્યું હતું કે, અમારી પાસે અન્ય ખરીદદારો પણ છે તેથી અમે તમને આટલી કિંમતમાં આ ઇમારત ઓફર કરી શક્તાં નથી. લાડવાએ જણાવ્યું હતું કે, અમે અન્ય કોઇના ભાડૂઆત બનવા માગતા નથી. કાઉન્સિલે અમને પ્રોપર્ટી ખરીદવા માટે બંધનકર્તા કોઇ કોન્ટ્રાક્ટ મોકલ્યો નથી. અમે છેલ્લા 14 વર્ષથની મંદિર ખરીદવા કાઉન્સિલ સાથે ચર્ચા કરી રહ્યાં છીએ પરંતુ કાઉન્સિલ હંમેશા નિર્ણયો બદલતી રહી છે.
મંદિરના ઉપપ્રમુખ એકતા પટેલે જણાવ્યું હતું કે, અમે અમારી પ્રવૃત્તિઓ દ્વારા કાઉન્સિલના મિલિયનો પાઉન્ડ બચાવી આપ્યાં છે. અમને કોઇ મંદિર ખાલી કરાવે તેવી સ્થિતિમાં મૂકાવા માગતા નથી.

