પીડિત પરિવારોને ચૂકવાયેલા વળતર અંગે પણ વિવાદ, એર ઇન્ડિયાની શરતો પર નારાજગી

સ્વ. રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણીએ ટાટા સન્સના ચેરમેન સમક્ષ સવાલો ઉઠાવ્યા

Tuesday 16th June 2026 12:54 EDT
 

લંડનઃ એકતરફ પ્લેન ક્રેશના પીડિત પરિવારજનો સત્ય જાણવા માટે તડપી રહ્યાં છે ત્યારે બીજીતરફ પીડિત પરિવારોના વળતરને લઈને મોટો વિવાદ પ્રવર્તી રહ્યો છે. ટેકનિકલ તપાસની સાથે સાથે વળતરની પ્રક્રિયા પણ વિવાદોના ઘેરામાં છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા રૂપાણી અને તેમના પરિવારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન સમક્ષ વળતરના દસ્તાવેજો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. એર ઇન્ડિયાના વળતર માળખામાં કેટલીક એવી શરતો સામેલ છે, જેનાથી પીડિત પરિવારો નારાજ છે. પરિવારોને આશંકા છે કે આ દસ્તાવેજો પર સહી કરવાથી ભવિષ્યમાં એરલાઇન અથવા વિમાન ઉત્પાદક કંપની સામે કાનૂની દાવો માંડવાનો તેમનો અધિકાર છીનવાઈ શકે છે. જો કે, એર ઇન્ડિયાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે આ સામાન્ય કાનૂની પ્રક્રિયા છે અને પરિવારો વચગાળાનું વળતર સ્વીકારીને અંતિમ અહેવાલ સુધી રાહ જોઈ શકે છે.

પીડિત પરિવારોની ભાવનાઓમાં એક સમાન સૂર એ જોવા મળ્યો કે વળતરની રકમને કેસ બંધ કરવાનું સાધન ન બનાવી શકાય. દુર્ઘટનામાં માતા હેમાંગિનીબેન, કાકા રજનીકાંત અને કાકી દિવ્યાબેનને ગુમાવનાર આણંદના પાર્થ પટેલે એર ઇન્ડિયા, ટાટા ગ્રૂપ અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો પાસે વધુ પારદર્શિતાની માંગ કરતા દલીલ કરી છે કે આટલી મોટી આપત્તિને માત્ર નાણાકીય વળતર આપીને ભૂલી શકાય નહીં. અમે પારદર્શિતા, જવાબદારી અને ન્યાય ઈચ્છીએ છીએ. જો આ અકસ્માતમાં સિસ્ટમની ખામીઓ જવાબદાર હોય, તો તેના માટે જવાબદાર લોકોને સજા થવી જ જોઈએ.

સુરતના રાજેશ અવૈયાએ જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ અને એરલાઇન્સે માત્ર વળતર ચૂકવવા સિવાય વધુ જવાબદારી સ્વીકારવી પડશે. જો તેઓ એમ માનતા હોય કે તેમની ફરજ માત્ર એક્સ-ગ્રેશિયાની રકમ ચૂકવવા પૂરતી જ મર્યાદિત છે તો હું તેમને કહેવા માંગુ છું કે અમે તેનાથી વધુ રકમ ચૂકવવા તૈયાર છીએ. સત્તાવાળાઓએ અમારા ફોન ઉપાડવા જોઈએ, ઇમેઇલના જવાબો આપવા જોઈએ અને અમને મજબૂત સાંત્વના અને ટેકો આપવો જોઈએ.

એર ઇન્ડિયા માહિતી આપવામાં અવરોધો ઊભા કરી રહી છેઃ એટર્ની માઇક એન્ડ્રુઝ

વિમાન અકસ્માતથી પ્રભાવિત આશરે 135 પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા એવિએશન એટર્ની માઈક એન્ડ્રુઝે જણાવ્યું કે, પરિવારો જ્યારે પણ અકસ્માત અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે ત્યારે એર ઈન્ડિયા તરફથી અવરોધો ઊભા કરવામાં આવે છે. દુર્ઘટનાના એક વર્ષ પછી પણ આ પરિવારો હેરાનગતિનો ભોગ બની રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter