લંડનઃ હજારો હોરાઇઝન સ્કેન્ડલ પીડિત સબ પોસ્ટમાસ્ટરો વળતરની રાહ જોઇ રહ્યાં હોવા છતાં આ વર્ષે ચૂકવાયેલું વળતર મહિનાની સૌથી નીચી સપાટી પર પહોંચ્યું છે. પીડિત પોસ્ટ માસ્ટરોને વળતર ચૂકવવા માટે સરકાર દ્વારા સંખ્યાબંધ સ્કીમ શરૂ કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા સંચાલિત આ સ્કીમોમાં વળતર ચૂકવવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે.
એક અખબારી અહેવાલ પ્રમાણે 2 જૂનથી 30 જૂન વચ્ચે ફક્ત 514 અરજકર્તાઓને જ વળતર ચૂકવાયું છે. જે અગાઉના મે મહિનાના 612 ચૂકવણાની સરખામણીમાં 16 ટકાનો ઘટાડો દર્શાવે છે. 2025માં જૂન મહિનામાં સૌથી ઓછા પીડિતને વળતર ચૂકવાયું છે. આ પહેલાં દર મહિને સરેરાશ 685 પીડિતને વળતર ચૂકવાયું હતું. સરકારી આંકડા પ્રમાણે હજુ 2590 પીડિત વળતરની રાહ જોઇ રહ્યાં છે.
ઘણા પીડિત પોસ્ટમાસ્ટર વળતર સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યાં છે. ક્રિસ હેડ નામના પીડિત કહે છે કે વળતર અત્યંત ઓછું હોવાને કારણે મેં તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. સરકારી વળતર યોજનાઓ અત્યંત નબળી પૂરવાર થઇ રહી છે. વર્ષો સુધી ન્યાયની રાહ જોઇ રહેલા પીડિતોને આ સ્વીકાર્ય નથી.