લંડનઃ એપ્લોયર્સ દ્વારા શોષિત કેર વર્કર્સ માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી મલ્ટી મિલિયન પાઉન્ડની યોજનાના ધાર્યા પરિણામ આવી રહ્યાં નથી. શોષિત કેર વર્કર્સને નવું કામ અપાવવા માટે શરૂ કરાયેલી આ યોજનાનો લાભ 4 ટકા કરતાં ઓછા પીડિત કેર વર્કર્સ સુધી પહોંચી શક્યો છે.
વર્ક રાઇટ્સ સેન્ટરના જણાવ્યા અનુસાર 28000 જેટલાં શોષિત માઇગ્રન્ટ કેર વર્કરોએ નવી નોકરી માટે આ યોજનામાં અપીલ કરી હતી પરંતુ તેમાંથી ફક્ત 3.4 ટકા જ નવી નોકરી પ્રાપ્ત કરી શક્યાં છે. જેની સામે સોશિયલ કેર સેક્ટરમાં હજુ 1,31,000 કેર વર્કર્સની અછત વર્તાઇ રહી છે.
ચેરિટીના ડો. ડોરા ઓલિવિયા વિકોલે જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદ ઇંગ્લેન્ડમાં કેર વર્કર્સની પ્રચંડ માગ ઊભી થઇ હતી અને સમગ્ર વિશ્વમાંથી હજારો લોકોએ આ અછત ઓછી કરવામાં યોગદાન આપ્યું છે. પરંતુ નોકરી મળવાને સ્થાને તેઓ કૌભાંડનો ભોગ બન્યાં છે. ન્યાય મળવાને બદલે તેમને એક રેફરલ પ્રોગ્રામ આપી દેવાયો છે જે યોગ્ય રીતે સફળ પણ થઇ રહ્યો નથી.
નવા આંકડા પ્રમાણે ફક્ત 941 માઇગ્રન્ટ વર્કર્સને આ યોજનાનો લાભ મળી શક્યો છે. હજુ હજારો માઇગ્રન્ટ કેર વર્કર્સને આ યોજના થકી કોઇ મદદ મળી રહી નથી.