લંડનઃ જાણીતા બ્રોડકાસ્ટર મહેન્દ્ર કૌલનું ૯૫ વર્ષની વયે નિધન થયું છે. આ સાથે તેમની ભારતમાં કાશ્મીરના શ્રીનગરના જેલમ નદીના કાંઠે આવેલા હબ્બા કડાલથી લંડનમાં થેમ્સના કિનારા સુધીની સફરનો અંત આવ્યો હતો. તેઓ તેમની પાછળ પત્ની રજનીબેન અને પુત્રી કલ્યાણી કૌલને છોડી ગયા છે. તેમની વિદાયથી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમને ૧૯૭૫માં ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE)થી સન્માનવામાં આવ્યા હતા. તેઓ OBEનું સન્માન મેળવનારા પ્રથમ NRI હતા.
બ્રોડકાસ્ટિંગમાં તેમની સફર જુલાઈ ૧૯૪૮માં રેડિયો કાશ્મીરથી થઈ હતી. પાછળથી તેઓ દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયો સાથે જોડાયા હતા. ત્યાં તેઓ રજનીબેનને મળ્યા હતા. દિલ્હીમાં ૧૦ વર્ષ કામ કર્યા બાદ વોઈસ ઓફ અમેરિકાનું તેમના પ્રત્યે ધ્યાન ગયું હતું અને તેમની એશિયન ડેસ્ક માટે ન્યૂઝ રીડર તરીકે પસંદગી કરવામાં આવી હતી.
૧૯૬૫માં તેમને બીબીસી લંડન દ્વારા તક મળી હતી. શરૂઆતમાં ન્યૂઝ રીડર તરીકે નિમણુંક બાદ તેમને સાઉથ એશિયન ઈમિગ્રન્ટ્સ યુકે આવે ત્યારે તેમને પડતી મુશ્કેલીઓને રજૂ કરતા કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવાની કામગીરી સોંપાઈ હતી. બ્રિટિશ સમાજ સાથે કેવી રીતે ભળવું તે વિશે ઈમિગ્રન્ટ્સને સલાહ આપતો કાર્યક્રમ ‘અપના હી ઘર સમજીએ’ બે દાયકા સુધી ચાલ્યો હતો. તેમણે ‘નયી ઝિંદગી નયે જીવન’ શીર્ષકથી બીજો લોકપ્રિય કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેમાં જાણીતા કવિઓ અને લેખકોની મુલાકાત રજૂ થતી હતી. આ બન્ને કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયા હતા.
તેમણે વડા પ્રધાન અને ઘણાં રાજકારણીઓ ઉપરાંત શ્રીમતી ઈન્દિરા ગાંધી સહિત અગ્રણી વ્યક્તિઓ અને બોલિવુડ એક્ટર્સના ઈન્ટરવ્યૂ લીધા હતા.
બ્રોડકાસ્ટિંગની કારકિર્દી ઉપરાંત તેમણે લંડનમાં પ્રખ્યાત ગેલોર્ડ રેસ્ટોરાં અને અન્ય રેસ્ટોરાં શરૂ કરીને યુકેમાં ભારતીય ભોજનની શરૂઆત કરાવી હતી. ‘એશિયન વોઈસ’ દ્વારા ફેબ્રુઆરી, ૨૦૧૪માં એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સમાં તેમને ‘કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ’ એનાયત કરાયો હતો.
કૌલના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર તા. ૨૨ જુલાઈને રવિવારે સવારે ૧૦ વાગે Golders Green Crematorium ખાતે થશે.


