પીઢ લેબર સાંસદ વિરેન્દ્ર શર્માનો રાજકીય સંન્યાસ લેવાનો નિર્ણય

કોમન્સમાંથી વિદાય લઇ જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવાનો સમય આવી ગયો છેઃ વિરેન્દ્ર શર્મા

Tuesday 04th June 2024 12:59 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના પીઢ સાંસદ વિરેન્દ્ર શર્માએ આગામી 4 જુલાઇના રોજ યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય લીધો છે. લેબર પાર્ટીના 77 વર્ષીય સાંસદ 2007થી ઇલિંગ સાઉથહોલ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. હવે તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઇ દાદાજીની નવી ભુમિકા ભજવવાની તૈયારી કરી રહ્યાં છે.

વિરેન્દ્ર શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઇલિંગ સાઉથહોલનું આજીવન પ્રતિનિધિત્વ કરવા માટે મને ખુશી છે પરંતુ હવે હાઉસ ઓફ કોમન્સમાંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. મને વિશ્વાસ છે કે સર કેર સ્ટાર્મર અને લેબર પાર્ટી ટૂંકસમયમાં સત્તા પર આવી જશે. મેં મારા નિર્ણય અંગે સ્થાનિક લેબર કાર્યકરોને જાણ કરી દીધી છે.

પંજાબના શહીદ ભગતસિંહ નગરના મંધાલી ગામના મૂળ વતની એવા વિરેન્દ્ર શર્મા 1968માં યુકે આવ્યા હતા. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ટ્રેડ યુનિયન સ્કોલરશિપ પર અભ્યાસ શરૂ કરતાં પહેલાં બસ કન્ડક્ટર તરીકે કામ કર્યુ હતું. અભ્યાસ બાદ તેઓ નામાંકિત ટ્રેડ યુનિયનિસ્ટ બન્યાં હતાં.

શર્માએ જણાવ્યું હતું કે મેં એક અથવા બીજા સ્વરૂપે 50 વર્ષ કરતાં વધુ સમય પાર્ટી માટે કામ કર્યું છે. હું માનુ છું કે હવે નવો અધ્યાય શરૂ કરવાનો સમય આવી ગયો છે. હું તમને જણાવવા માગુ છું કે હું આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યો નથી. હું લેબર પાર્ટીને મારું સમર્થન આપતો રહીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter