લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને ભય છે કે વ્લાદિમીર પુટિન યુક્રેન પર આક્રમણના ભાગરુપે કેમિકલ વેપન્સનો ઉપયોગ કરશે કારણકે આ જ રશિયાની ચાલમાં છે. તેમણે ચેતવણી આપી હતી કે મોસ્કો દોષનો ટોપલો પશ્ચિમ પર નાખવા માટે બનાવટી વાર્તાઓ ફેલાવી રહ્યું છે.
વડા પ્રધાને કહ્યું હતું કે પુટિન શંકાસ્પદ અને જંગલી સરકારના વડા છે અને યુક્રેનના લશ્કરી દળો દ્વારા રશિયન આક્રમણના જોરદાર સામના પછી મોસ્કો રાસાયણિક શસ્ત્રો ગોઠવવાનું પગલું લઈ દોષનો ટોપલો પશ્ચિમી દેશોના માથે ઢોળી શકે છે. રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો ઈનકાર કરી શકાય તેવી બનાવટી વાર્તાઓ પણ મોસ્કો ફેલાવી રહ્યું છે. જ્હોન્સને સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે હું તમારા માટે વધુ એક આગાહી કરીશ કે તમે કેમિકલ વેપન્સની જ વાતો સાંભળી રહ્યા છે તે સીધી રશિયાથી જ આવે છે. તેમણે વિરોધીઓ દ્વારા અથવા અમેરિકનો દ્વારા કેમિકલ વેપન્સનો સંગ્રહ કરાયાની વાતો ફેલાવવી શરૂ કરી છે જેથી તેઓ ખુદ આવા શસ્ત્રો ગોઠવે તે દબાઈ જાય.

