લંડનઃ રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ 25 ફેબ્રુઆરીથી રશિયાથી અવરજવર કરતી તમામ બ્રિટિશ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આના પરિણામે યુકેઅને એશિયા વચ્ચેની ફ્લાઈટ્સને અસર પહોંચશે. રશિયન એરોફ્લોટ એરલાઈન્સની ફ્લાઈટ્સ પર બ્રિટિશ પ્રતિબંધના વળતા પ્રહાર તરીકે રશિયાએ આ પગલું લીધું છે.
સામાન્ય રીતે બ્રિટિશ કોમર્શિયલ જેટ ફ્લાઈટ્સ સાઉથ કોરિયા, જાપાન અને ચીન તેમજ ફાર ઈસ્ટના દેશો સહિતના એશિયન સ્થળોએ પહોંચવા માટે રશિયન એરસ્પેસનો ઉપયોગ કરે છે. હવે આ પ્રતિબંધના કારણે યુકેમાં રજિસ્ટર્ડ કરાયેલા તેમજ સંકળાયેલી સંસ્થાઓ કે વ્યક્તિઓ દ્વારા, સંચાલિત, લીઝ પર અપાયેલા બ્રિટિશ વિમાનોએ લાંબા રુટ્સ પકડવા પડશે. બ્રિટિશ એરવેઝ જેવી ઘણી એરલાઈન્સ દ્વારા રશિયન એરસ્પેસ ટાળવાનું શરૂ કરી દેવાયું છે. જોકે, રશિયાએ ‘ઓવરફ્લાય’ ફિઝ ગુમાવવી પડશે. રશિયન એરસ્પેસ વિશ્વમાં ઓવરફ્લાઈટ્સ માટે સૌથી મોંઘો દેશ છે અને રશિયન એરસ્પેસના ઉપયોગ માટે એરલાન્સ દ્વારા તગડી ફી ચૂકવાય છે.
યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા તમામ રશિયન કોમર્શિયલ અને સિવિલિયન એરક્રાફ્ટસને યુકેના એરસ્પેસનો ઉપયોગ કરવા સામે 24 ફેબ્રુઆરીની મધરાતથી પ્રતિબંધ જાહેર કરાયો છે. આના પરિણામે, મુખ્ય રશિયન કેરિયર એરોફ્લોટ અને રશિયન ધનાઢ્યો દ્વારા ઉપયોગમાં લેવાતાં જેટ્સ પર પ્રતિબંધો લાગી ગયા છે. યુકે દ્વારા લગાવાયેલો પ્રતિબંધ 23 મેની મધરાત સુધી અમલમાં રહેશે. આ પ્રતિબંધમાં યુકેની પ્રાદેશિક જળસીમા ઉપરના એરસ્પેસનો પણ સમાવેશ થાય છે. જોકે, 12 માઈલની પ્રાદેશિક જળસીમાની બહાર ઉડતા જેટ્સ પર પ્રતિબંધ રહેશે નહિ.