લંડનઃ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનની ભારત યાત્રાના થોડા દિવસ પહેલાં નવી દિલ્હી ખાતેના બ્રિટિશ, ફ્રેન્ચ અને જર્મન રાજદૂતોએ ભારતના એક અખબારમાં લખેલા સંયુક્ત આર્ટિકલ સામે ભારત સરકારે ઉગ્ર વિરોધ નોંધાવી નારાજગી વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બ્રિટિશ, ફ્રેન્ચ અને જર્મન રાજદૂતે આ પ્રકારે આર્ટિકલ લખી અસામાન્ય કામ કર્યુ છે અને રાજદ્વારી સંબંધોમાં તે સ્વીકાર્ય નથી.
ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમરન, ફ્રેન્ચ રાજદૂત થિયેરી મથોઉ અને જર્મન રાજદૂત ફિલિપ એકરમેને ભારતમાં પ્રસિદ્ધ થતા ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અખબારમાં આ આર્ટિકલ લખ્યો હતો. તેમણે રશિયા પર શાંતિ પ્રયાસો મધ્યે યુક્રેન પર હવાઇ હુમલા વધારવા, ખોટી માહિતી ફેલાવી, સાયબર એટેક કરી, હવાઇ સીમાઓનું ઉલ્લંઘન કરીને વૈશ્વિક વ્યવસ્થા અસ્થિર કરવા જેવા આરોપ મૂક્યા હતા. તેમણે ભારતના વડાપ્રધાનના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમાધાન યુદ્ધભૂમિ પર થતાં નથી.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશી રાજદૂતો દ્વારા લખાયેલા આર્ટિકલની અમે ગંભીર નોંધ લીધી છે. તેમણે કોઇ ત્રીજા દેશ સાથેના ભારતના સંબંધો પર જાહેરમાં નિવેદન કે સલાહ આપવા જોઇએ નહીં. આ પ્રકારની કામગીરી રાજદ્વારી સંબંધોમાં સ્વીકાર્ય નથી.


