લંડનઃ બ્રિટનમાં રહેતા હિંદુઓમાં ભારતીય મૂળના વડાપ્રધાન રિશી સુનાક પ્રત્યે નારાજગી વધી રહી છે. સુનાક સરકાર ભારતીય પૂજારીઓને વિઝા આપી રહી નથી. જેના કારણે બ્રિટનમાં લગભગ 500માંથી 50 મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક મંદિરોમાં અનેક કામો અટકી પડ્યા છે. હકીકતમાં, બ્રિટનમાં લગભગ 20 લાખ ભારતીય હિંદુઓ રહે છે, જેમના માટે પૂજારી મહત્વપૂર્ણ છે. મંદિરોમાં સેવા સાથે પૂજારીઓ ભારતીય સમુદાયમાં ગૃહ પ્રવેશ અને લગ્ન સમારોહ પણ સંપન્ન કરે છે.
યુનાઈટેડ ટેમ્પલ ગ્રુપે જણાવ્યું છે કે હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. લેબર પાર્ટીના વરિષ્ઠ સાંસદ ગેરેથ થોમસે પણ ગૃહમંત્રીને પત્ર લખીને ટિયર 5 ધાર્મિક કાર્યકર વિઝાની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ કરી છે.
રામ મંદિર, બર્મિંગહામનો આરોપ છે કે પૂજારીની બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટ (BRP)માં ખોટી વિઝા એક્સપાયરી ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમે 6 લાખ ફી પણ ચૂકવી હતી, પરંતુ તેમાં સુધારો થયો ન થતાં પૂજારીને અકાળે બ્રિટન છોડવું પડ્યું.
પૂજારીના વિઝા ન મળતા લક્ષ્મીનારાયણ મંદિર, બર્મિંગહામ બંધ કરવું પડ્યું હતું. ફરિયાદ બાદ પૂજારીના વિઝા ઈશ્યૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણ આપ્યા વગર તેમની પત્નીના વિઝા નકારી કયાં હતાં.


