પૂર્વ ચાન્સેલર નદીમ ઝહાવી 3.7 મિલિયન પાઉન્ડનો બાકી ટેક્સ ચૂકવવા સંમત

યુગોવના શેરોના વેચાણ પેટે ચૂકવવાપાત્ર કેપિટલ ગેઇન ટેક્સનો મામલો

Wednesday 18th January 2023 06:44 EST
 
 

લંડન

પારિવારિક આર્થિક મામલાઓમાં વિવાદ બાદ પૂર્વ ચાન્સેલર નદીમ ઝહાવી સરકારને ટેક્સ પેટે કેટલાક મિલિયન પાઉન્ડ ચૂકવવા સંમત થયાં છે. પોલિંગ ફર્મ યુગોવમાં હિસ્સો ધરાવવા માટે વિદેશી કંપનીના ઉપયોગ પરના સવાલો બાદ ઝહાવી આ ટેક્સની રકમ ચૂકવવા તૈયાર થયા છે. નદીમ ઝહાવી જિબ્રાલ્ટરમાં રજિસ્ટર્ડ કરાયેલા ફેમિલી ટ્રસ્ટના માધ્યમથી આ હિસ્સેદારી ધરાવતા હતા. અગાઉ તેમણે દાવો કર્યો હતો કે આ હિસ્સેદારીનો તેમનો કોઇ લાભ મળતો નથી.

યુગોવે જણાવ્યું હતું કે, બાલશોર ઇન્વેસ્ટમેન્ટ નદીમ ઝહાવીનું ફેમિલી ટ્રસ્ટ છે. નદીમ ઝહાવીએ એવો દાવો કર્યો હતો કે બાલશોર ઇન્વેસ્ટમેન્ટ સાથે મારે કોઇ લેવાદેવા નથી કે મને તેનો કોઇ લાભ મળતો નથી. યુગોવમાં આ હિસ્સેદારી 20 મિલિયન પાઉન્ડની હતી અને 2018 સુધીમાં તેને વેચી નાખવામાં આવી હતી. આ સોદાના નાણા કોઇ અજાણી વ્યક્તિના ખાતામાં જમા થયા હતા. ટેક્સ પોલિસી એસોસિએટ્સના અંદાજ પ્રમાણે યુગોવના શેરોના બાલશોર સોદાના કારણે 3.7 મિલિયન પાઉન્ડનો કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાનો થતો હતો.

આ મામલામા ઝહાવીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નદીમ ઝહાવી દ્વારા યુકેમાં યોગ્ય રીતે ટેક્સ ચૂકવી દેવાયાં છે. તેમણે સમગ્ર વિશ્વમાં સફળ એવા બ્રિટિશ બિઝનેસનું નિર્માણ કર્યું છે. બોરિસ જ્હોન્સનની કેબિનેટમાં ઝહાવીને ચાન્સેલર નિયુક્ત કરાયા ત્યારે તેમના કર મામલાઓ અંગે જ્હોન્સનને ચેતવણી આપવામાં આવી હતી તેમ છતાં તેમણે ઝહાવીની નિયુક્તિને મંજૂરી આપી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ મામલામાં એચએમઆરસી દ્વારા કોઇ તપાસ ચાલી રહી હોવાની જાણ ઝહાવીને નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter