લંડનઃ પૂર્વ કન્ઝર્વેટિવ ચાન્સેલર નધીમ ઝહાવીએ ટોરીઝ સાથે છેડો ફાડી રિફોર્મ યુકે સાથે હાથ મિલાવ્યા છે. સોમવારે એક પત્રકાર પરિષદમાં રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે આ અંગે જાહેરાત કરી હતી. ઝહાવી બોરિસ જોન્સનની સરકારમાં બે મહિના ચાન્સેલરપદે રહ્યાં હતાં. તેઓ 2018થી 2023 સુધી સરકારમાં મંત્રી રહ્યા હતા.
ઝહાવીએ જણાવ્યું હતું કે યુકે અંધકારમાં ધકેલાઇ ગયો છે. આજે દેશને એક ભવ્ય ક્રાંતિની જરૂર છે. વાણી સ્વતંત્રતા, પબ પર લાગુ થતા બિઝનેસ રેટ, બેરોજગારી અને વધી રહેલા કરવેરાના કારણે મારે આ પગલું લેવાની ફરજ પડી છે. રિફોર્મ યુકેમાં સામેલ થયેલા પૂર્વ કન્ઝર્વેટિવ સાંસદોમાં ઝહાવી સૌથી વરિષ્ઠ સાંસદ છે. ઝહાવી જોન્સન સરકારમાં એજ્યુકેશન સેક્રેટરી, ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર અને કન્ઝર્વેટિવ પાર્ટીના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા.
કરવેરા મામલે ઘોષણા નહીં કરવા માટે મિનિસ્ટરિયલ રૂલ્સના ઉલ્લંઘન સબબ તત્કાલિન વડાપ્રધાન રિશી સુનાકે જાન્યુઆરી 2023માં ઝહાવીને સરકારમાંથી બરતરફ કર્યા હતા.


