લંડન
28 મહિલાઓ સાથે 115 સેક્સ્યુઅલ અપરાધો કરનાર પૂર્વ જીપી મનીષ શાહને માનસિક રીતે બીમાર ગણાવીને વધુ બે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ પીડિતાઓમાં 15 વર્ષની સગીરાનો પણ સમાવેશ થાય છે. 53 વર્ષીય મનીષ શાહ તેની વિશ્વાસપાત્ર પોઝિશનનો ગેરલાભ ઉઠાવીને પોતાના જાતીય આનંદ માટે મહિલાઓની બિનજરૂરી તપાસ કરાવતો હતો. 2009થી શરૂ થયેલો આ સિલસિલો 4 વર્ષ ચાલ્યો હતો. તે નિસહાય પીડિતાઓની શોધ ચલાવતો અને ત્યારબાદ તેમને પોતાનો શિકાર બનાવતો હતો.
મનિષ શાહ ઇસ્ટ લંડનમાં રેમફોર્ડ ખાતે એક સન્માનનિય જીપીની શાખ ધરાવતો હતો પરંતુ તેની સામેના આરોપો સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો ત્યારબાદ તેને નોકરીમાંથી હાંકી કઢાયો હતો. ફેબ્રુઆરી 2020માં 24 મહિલાઓ સાથેના 90 અપરાધ માટે મનિષ શાહને લઘુત્તમ 15 વર્ષની એવી 3 આજીવન કેદની સજા કરાઇ હતી.
ગયા મહિને પૂરી થયેલી ત્રીજી ટ્રાયલમાં મનીષ શાહને વધુ 25 ગુના માટે દોષી ઠેરવાયો હતો. સોમવારે જજ પીટર રૂકે શાહને લઘુતમ 10 વર્ષની એવી બે આજીવન કેદની સજા ફટકારી હતી. હાલ તે અગાઉ ફટકારાયેલી સજા ભોગવી રહ્યો છે. શાહને 15 અને17 વર્ષની બે સગીરાઓના શારીરિક શોષણ માટે આજીવન કેદ ફટકારવામાં આવી છે. જજે જણાવ્યું હતું કે આ વ્યક્તિ મહિલાઓ માટે ભયજનક છે.


