લંડનઃ ભારતના હૈદરાબાદમાં પૂર્વ પત્ની અને તેના પરિવારના સભ્યોની આર્સેનિક ઝેર આપીને હત્યાનું કાવતરું ઘડવાના આરોપી એવા યુકે સ્થિત ભારતીય ફાર્માસિસ્ટની ધરપકડ કરાઇ છે અને હવે તેને ભારત ખાતે પ્રત્યર્પિત કરાશે.
ભારત સરકારની વિનંતી પર 17 જાન્યુઆરી 2025ના રોજ 45 વર્ષીય અજિતકુમાર મુપ્પરપુની બર્કશાયરના મેઇડનહેડ ખાતેથી બાયસ્પેશિયાલિસ્ટ નેશનલ એક્સ્ટ્રાડિક્શન યુનિટના અધિકારીઓ દ્વારા ધરપકડ કરાઇ હતી. તેને તે જ દિવસે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં તેણે તેના પ્રત્યર્પણનો વિરોધ કર્યો હતો.
અજિતકુમારે જામીન માટે અરજી કરી હતી પરંતુ અદાલતે તેના અપરાધની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ફરાર થઇ જવાનું જોખમ હોવાથી અરજી નકારી કાઢી હતી. હવે વધુ સુનાવણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
કોર્ટના દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે અજિતકુમાર પર હૈદરાબાદમાં તેની પૂર્વ પત્ની અને તેના પરિવારજનોને આર્સેનિક ઝેર આપીને હત્યા અને હત્યાના પ્રયાસના ગંભીર આરોપ મૂકાયા છે. વર્ષ 2023માં જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે સંખ્યાબંધ વાર હત્યાના પ્રયાસો કર્યાં હતાં. ઓગસ્ટ 2023માં 6 આરોપીઓ ઝડપાઇ ગયાં હતાં. તેણે તેના પૂર્વ સસરાની હત્યા માટે માર્ગ અકસ્માત સર્જવા કેટલાક લોકોને સોપારી આપી હતી.