લંડનઃ નેપાળ અને તિબેટના સરહદી વિસ્તારમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડમાં બ્રિટનના એક જ પરિવારના ચાર સભ્યો લાપતા થયાં છે. નેપાળ ટૂરિઝમ બોર્ડ અને હિન્દુ સમાચાર માધ્યમોના અહેવાલો મુજબ ગુમ થયેલા પરિવારમાં 46 વર્ષીય ઉદ્યોગપતિ સંતોષ સાહૂ, તેમના પત્ની અને પૂર્વ મિસીસ ઇન્ડિયા યુકે સુરભી મનમથ પઢી (44), તેમનો પુત્ર સ્પંદન સાહૂ (18) અને 13 વર્ષની પુત્રી સાયના કુમારી સાહૂનો સમાવેશ થાય છે.
પરિવારના પાડોશીએ આઘાત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિવાર છે અને દસ વર્ષ પહેલાં જ કોબહામ ખાતે રહેવા આવ્યા હતા. તેઓ અત્યંત ખુશખુશાલ અને સારા પડોશી હતા. આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેમના પુત્રએ હાલમાં જ ડરહામ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.”
સંતોષ સાહૂ એનએચએસ (NHS) સાથે ગાઢ રીતે સંકળાયેલી ફાર્માસ્યુટિકલ કંપની ચેરકના સીઇઓ તરીકે કાર્યરત છે. સંતોષ સાહૂએ ફાર્માસ્યુટિકલ બિઝનેસ શરૂ કર્યો તે પૂર્વે આ દંપતી લંડનમાં એક સફળ ટેકનોલોજી કંપની ચલાવતું હતું. આ પરિવાર કોબહામ ખાતે 1.3 મિલિયન પાઉન્ડની કિંમત ધરાવતા છ બેડરૂમના ભવ્ય મકાનમાં રહેતો હતો. આ પરિવાર ગયા અઠવાડિયે બ્રિટનથી ભારત પહોંચ્યો હતો અને ત્યાંથી નેપાળ-તિબેટ ટ્રેકિંગ પર રવાના થયો હતો.


